
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
અલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા તેમના વકીલને ધંધાકીય સેવાઓ માટે ચૂકવવામાં આવતી ફી ને "ગુનાની આવક" ગણી શકાય નહીં. કારણ કે ચુકવણી આરોપી પાસેથી થઈ હતી.જ્યાં સુધી વકીલ
વ્યક્તિગત રીતે ગુનાહિત કૃત્યમાં સામેલ ન હોય, ત્યાં સુધી તેમની વ્યવસાયિક ફીને ગુનાની આવક તરીકે વર્ગીકૃત કરી શકાતી નથી.
જસ્ટિસ જે.જે.મુનીર અને જસ્ટિસ અરુણ કુમારની બનેલી બેન્ચ ઉત્તર પ્રદેશ પોલીસના સાયબર સેલ દ્વારા વકીલ ના સમગ્ર બેંક ખાતાને ફ્રિઝ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી.આ કેસમાં વકીલ આયુષ બાજપાઈએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, સાયબર સેલે કઠિત છેતરપિંડી ભર્યા વ્યવહારનો ઉલ્લેખ કરીને તેમનું બેંક ખાતુ ફ્રીઝ કરી દીધું હતું. જ્યારે ખાતામાં રહેલા ભંડોળ તેમના ક્લાઈન્ટ પાસેથી મળેલી વ્યવસાયિક ફી નું પ્રતિનિધિત્વ કરે છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે વકીલ, સરકાર, આદરણીય નાગરિક અથવા ફોજદારી આરોપોનો સામનો કરી રહેલા વ્યક્તિ પાસેથી પણ ફી મેળવી શકે છે. જો કે જો આવા આરોપી વકીલ ના ખાતામાં ફી જમા કરાવે છે તો તે રકમને "ગુના ની આવક" કહી શકાય નહીં.
હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે આવી રકમ વકીલની કાયદેસર વ્યવસાયિક આવકનો ભાગ છે. જે તેમની કાનૂની જવાબદારીઓ નિભાવવાના બદલામાં કમાય છે. વધુમાં હાઇકોર્ટે જણાવ્યું કે સાયબર સેલ ફક્ત શંકાસ્પદ અથવા કપટપૂર્ણ વ્યવહાર ના આધારે સમગ્ર બેંક ખાતુ ફ્રીઝ કરી શકતું નથી.



