
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે તો નાણાંકીય ખાતાં સલામત નથી, વિદ્યાર્થીઓના પેપર સલામત નથી અને મંદિરોમાં આવતું દાન પણ સલામત નથી. છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલો અને અમુક રામભક્ત ધર્માચાર્યો તથા સંતો દ્વારા જે સમાચાર સામે આવી રહ્યા છે, તે જોઈને ખરેખર આપણું હૃદય દ્રવી ઉઠે છે. *સોના ચાંદીની 1200 જેટલી ઈટો ગાયબ થઈ હતી, કરોડોની લૂંટની રકમ ની ચર્ચા થઈ રહી છે.જ્યારે સોમનાથનું તાળું તૂટ્યું ત્યારે મુઘલો હતા અને જ્યારે અનેક વિદ્યાપીઠો, નાના-મોટા મંદિરો અને તીર્થસ્થાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું ત્યારે અંગ્રેજો હતા. પરંતુ આજે જ્યારે અયોધ્યામાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે મુઘલો કે અંગ્રેજો નહીં, પરંતુ સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવી રહ્યા છે. આ કોઈ નાની ઘટના નથી. કરોડો રામભક્તોનું હૃદય ખરેખર દ્રવી ઉઠે છે. જે લોકો ભગવાન શ્રીરામ પ્રત્યેની આસ્થાથી, સમર્પણભાવથી અને ભક્તિભાવથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને દર્શન માટે પહોંચે છે, અને પોતાની શક્તિ મુજબ દાન કરે છે, તેમના માટે આવા સમાચાર અત્યંત દુઃખદ છે. મીડિયામાં અલગ-અલગ પ્રકારના અહેવાલો અને કરોડો રૂપિયાના આંકડા સામે આવી રહ્યા છે. ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક લોકો અને તેમના સગા-સંબંધીઓ દ્વારા ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એવા લોકો, જેમની પાસે ક્યારેય સાઇકલ ખરીદવાના પણ પૈસા નહોતા, તેઓ આજે અનેક ગાડીઓના માલિક બન્યા છે. જેમની પાસે એક દુકાન પણ નહોતી, તેઓ મોટી-મોટી બિલ્ડિંગોના માલિક બન્યા છે. જેમની પાસે કંઈ જ ન હતું, તેઓ કરોડોની જમીનોના માલિક બની ગયા છે. આખી વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે, તે સમજવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાઓ વારંવાર શા માટે બની રહી છે, તે દરેક રામભક્તે વિચારવું પડશે. આ લોકોને ભગવાન શ્રીરામનો પણ ડર નથી અને સત્તા પર બેઠેલા શાસકોનો પણ ડર નથી. કારણ કે તેમને લાગે છે કે ઉપર સુધી તેમના આશીર્વાદ છે અને તેમનું કોઈ કંઈ બગાડી શકશે નહીં. કોઈ નાનો-મોટો કર્મચારી સસ્પેન્ડ થઈ જશે, કોઈ તપાસ સમિતિ અથવા એસઆઈટીનું ગઠન થઈ જશે, પરંતુ ઉપરથી નીચે સુધી જો જવાબદારી નક્કી નહીં થાય તો આવી ઘટનાઓ ફરી બનતી રહેશે. મજાની વાત તો એ છે કે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે છેલ્લા આઠ મહિનાના સીસીટીવી ફૂટેજ ડિલીટ અથવા ડિસ્ટર્બ કરવામાં આવ્યા છે.
આપ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે વધુમાં જણાવ્યું હતુ કે આટલી મોટી ઘટનામાં સીસીટીવીના સંપૂર્ણ રેકોર્ડિંગ ગાયબ થઈ જાય, તો શું કોઈના સહકાર વગર આ શક્ય છે? થોડો સમય આ મુદ્દો ચર્ચામાં રહેશે, પછી ધીમે-ધીમે બધું શાંત થઈ જશે. પરંતુ સૌથી મોટું દુઃખ તો રામભક્તોની લાગણીઓ સાથે થયેલો ખેલ છે. તાજેતરમાં એવા સમાચાર પણ આવ્યા છે કે દાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ સવાલ એ છે કે સાચું દાન શું છે? દાનની પવિત્રતા કેવી રીતે જળવાઈ શકે? શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં કરોડો રૂપિયાનું દાન વાપરવામાં આવે તો તેનો લાભ સમાજને મળે. કોઈ ગરીબ બાળકની શાળા કે કોલેજની ફી ભરી દેવામાં આવે, કોઈ જરૂરિયાતમંદને સારવાર મળી રહે, તો કદાચ ભગવાન શ્રીરામ વધુ પ્રસન્ન થાય. હું તમામ રામભક્તોને વિનંતી કરું છું કે આ દેશની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ છે. જો મંદિરોમાં આવતું દાન પણ સલામત ન રહે, તો લોકોની આસ્થા ઉપર અસર પડે છે. મંદિરોમાં વધતા વીઆઈપી કલ્ચર અને આવી ઘટનાઓ અંગે સામૂહિક રીતે વિચારવાની જરૂર છે. સરકાર પાસે પોતાના સંસાધનોની સુરક્ષા કરવાની પણ ક્ષમતા નથી. અનેક વખત સરકારી તંત્રની બેદરકારીના કિસ્સાઓ સામે આવે છે. તો પછી મંદિરોના વહીવટમાં સરકારની ભૂમિકા કેટલી અને કેવી હોવી જોઈએ, તે અંગે પણ ચર્ચા થવી જોઈએ. આ દેશમાં અનેક મઠો, પીઠો, સંતો અને શંકરાચાર્ય પરંપરાઓ છે. શું સનાતન પરંપરાના આગેવાનો સાથે બેસીને એવી વ્યવસ્થા ઊભી ન કરી શકાય કે મંદિરોમાં એક નિશ્ચિત રકમથી વધુ આવક થાય તો તેનો એક હિસ્સો શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક વિકાસ માટે વપરાય? સમય આવી ગયો છે કે આપણે આ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારીએ. ભગવાન શ્રીરામ સૌને સદબુદ્ધિ આપે. “વસુધૈવ કુટુંબકમ” અને “વિદ્યા ધનં સર્વધન પ્રધાનમ્” જેવી આપણી સંસ્કૃતિના મૂલ્યોને ફરી જીવંત કરવાની જરૂર છે. આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે લોકો મંદિરોના દાન અંગે પણ પ્રશ્નો પૂછવા લાગ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ માનસિકતા અને પરિસ્થિતિ અંગે ચોક્કસપણે વિચારવું પડશે.



