
વડાપ્રધાન વિજયે રદ કર્યા ૪૬ પ્રોજેક્ટ્સ હિન્દુ મંદિરોના પૈસાથી નહીં બને મૉલ અને હૉલ હવે આ ભંડોળનો ઉપયોગ મંદિર અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે થશે : ગુનેગારો સામે કડક કાર્યવાહી થશે તામિલનાડુના નવા મુખ્યમંત્રી થલાપતિ વિજયે સત્તા સંભાળતા જ પૂર્વ ડીએમકે (DMK) સરકારના ર્નિણયો પર કડક કાર્યવાહી શરૂ કરી છે. સીએમ વિજયે હિંદુ ધાર્મિક અને સખાવતી દેવસ્થાન વિભાગ હેઠળના ૨૪૫.૮૫ કરોડ રૂપિયાના ૪૬ પ્રોજેક્ટ્સની મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. અગાઉની સરકારે આ ફંડમાંથી મેરેજ હોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાની મંજૂરી આપી હતી, પરંતુ હવે આ નાણાંનો ઉપયોગ મંદિર અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે જ થશે.
રાજકારણમાં એન્ટ્રી કરનાર ફિલ્મ સ્ટાર વિજયની પાર્ટીએ ૪ મે ૨૦૨૬ના રોજ આવેલા ચૂંટણી પરિણામોમાં છ દાયકા જૂની દ્રવિડ પાર્ટીઓને સત્તામાંથી બહાર કરી દીધી હતી. વિજયે ૧૦ મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શરૂઆતમાં તેમના વહીવટી અનુભવ પર સવાલો ઉઠ્યા હતા, પરંતુ એક જ મહિનામાં પોતાના કડક ર્નિણયોથી તેમણે વિરોધીઓને શાંત કરી દીધા છે.
મુખ્યમંત્રીએ પોલીસ અને કલેક્ટરોને કોઈપણ રાજકીય દબાણ વગર ગુનેગારો સામે કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે. આ સિવાય તેમણે જાહેરાત કરી છે કે, હવે તામિલનાડુની તમામ સરકારી પબ્લિક ટ્રાન્સપોર્ટ બસો એર કંડિશન્ડ (AC) કરવામાં આવશે.
સત્તા પર આવતાની સાથે જ રાજ્યના ૨.૪ કરોડ પરિવારો માટે ૨૦૦ યુનિટ મફત વીજળીની જાહેરાત કરી. ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે દરેક જિલ્લામાં એન્ટી-ડ્રગ ટાસ્ક ફોર્સ બનાવી, જેની દેખરેખ સીએમ પોતે કરશે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સિંગપ્પેન (શેરની) સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી. ધાર્મિક સ્થળો, શાળાઓ અને બસ સ્ટેન્ડના ૫૦૦ મીટરના દાયરામાં આવતી ૭૧૭ સરકારી દારૂની દુકાનોને ૨ અઠવાડિયામાં બંધ કરવાનો આદેશ આપ્યો. નવી સરકારે ગરીબો માટે ચાલતી ૬૨૦ અમ્મા કેન્ટીનોને હાઈટેક અને સાફ-સુથરી બનાવવાનો આદેશ આપ્યો છે. સહકારી બેંકોમાંથી ગરીબોના દેવા માફીના પ્રથમ તબક્કાની જાહેરાત કરવામાં આવી છે અને ખેતીને પ્રોત્સાહન આપવા માટે ૧૩૪.૮૩ કરોડ રૂપિયાનું ખાસ પેકેજ જાહેર કર્યું છે.



