
શાહરૂખ ખાને માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર લોસ એન્જલસ નાઈટ રાઈડર્સનું સ્ટેડિયમ માત્ર ૧૦૦ દિવસની અંદર બનીને તૈયાર બીજા ફેઝમાં ટ્રેનિંગ સેન્ટર અને પ્રેક્ટિસની જગ્યા બનાવાશે શાહરૂખ ખાને પોતાના એક સપનાના પૂરા થવા પર ICC ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. વાસ્તવમાં તેમની માલિકી હક વાળી ટીમ લોસ એન્જલસ નાઈટ રાઈડર્સનું સ્ટેડિયમ બનીને તૈયાર થઈ ગયું છે. આ લોસ એન્જલસના પોમોનામાં બન્યું છે, જેને માત્ર ૧૦૦ દિવસની અંદર બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યું. તેને અમેરિકન ક્રિકેટ માટે મોટું અને સારું પગલું માનવામાં આવી રહ્યું છે. આ જ સ્ટેડિયમમાં ઓલિમ્પિકની મેચો પણ યોજાશે.
શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર સ્ટેડિયમ તૈયાર થવાનો વીડિયો શેર કરતા કહ્યું કે આ એક સપનું હતું જે હવે હકીકતમાં બદલાઈ ચૂક્યું છે. તેમણે ખાસ કરીને જય શાહનો આભાર માન્યો, જેઓ અત્યારે ICC ના ચેરમેન પદ પર છે.
તેમણે કહ્યું કે આ જગ્યા માત્ર એક રમતનું મેદાન નહીં પરંતુ મનોરંજન માટે પણ હશે અને અહીં લોકો પોતાની યાદો બનાવશે.
શાહરૂખ ખાને એક્સ (X) પર લખ્યું, “જે એક સપનું હતું, તે આજે હકીકત બની ગયું છે. આપ સૌનું LA ના નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્વાગત છે. આ જગ્યા માત્ર રમત માટે જ નહીં, પરંતુ મનોરંજન અને પરિવારો માટે પણ બનાવવામાં આવી છે અને એવી યાદો માટે જે હંમેશા સાથે રહેશે. જયભાઈનો ખાસ આભાર, જેઓ આ સફરમાં ખૂબ જ મદદગાર રહ્યા છે. સંજાેગ ગુપ્તાનો પણ આભાર, જેમણે આટલો સહયોગ આપ્યો. આ LA માટે, દુનિયાભરના ક્રિકેટ ફેન્સ માટે અને નાઈટ રાઈડર્સ પરિવાર માટે છે. પર્પલ અને ગોલ્ડ પર ભરોસો રાખો. LA નાઈટ રાઈડર્સના હોમ ગ્રાઉન્ડમાં આપનું સ્વાગત છે.”
આ સ્ટેડિયમ માત્ર ૧૦૦ દિવસમાં બનીને તૈયાર કરી દેવામાં આવ્યું, જેના માટે અંદાજે ૩૨ હજાર મેટ્રિક ટન માટી હટાવવામાં આવી હતી. અહીં અત્યારે કામ ચાલી રહ્યું છે, બીજા ફેઝમાં અહીં એક ટ્રેનિંગ સેન્ટર અને પ્રેક્ટિસની જગ્યા બનીને તૈયાર કરવામાં આવશે. ફેઝ ૩ માં તેને આખરી ઓપ આપવામાં આવશે.



