
ગાઝા છોડશે IDF ટ્રમ્પનો મોટો દાવો,હમાસ અને ઈઝરાયલ વચ્ચે ઐતિહાસિક સમજૂતી ગાઝાની સુરક્ષા આંતરરાષ્ટ્રીય સ્ટેબલાઇઝેશન ફોર્સ અને નવી પેલેસ્ટાઇન પોલીસ સંભાળશે : આ સમજૂતી ૨૦૨૬ સુધીમાં અમલમાં આવશે
અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા યુદ્ધને લઈને એક મોટો દાવો કરવામાં આવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે બોર્ડ ઓફ પીસ (Board of Peace) ની મધ્યસ્થતામાં હમાસ અને ગાઝામાં સક્રિય અન્ય તમામ સશસ્ત્ર જૂથોના પૂર્ણ નિરસ્ત્રીકરણ પર એક ઐતિહાસિક સમજૂતી સાધવામાં આવી છે. આ સમજૂતીના અમલ સાથે જ ઇઝરાયેલની સેના તબક્કાવાર રીતે ગાઝામાંથી પાછી હટશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે જેમ-જેમ હમાસ અને અન્ય સંગઠનોનું નિરસ્ત્રીકરણ પૂરું થશે, તેમ-તેમ ઇઝરાયેલી સેના ગાઝામાંથી ખસતી જશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્ટેબલાઇઝેશન ફોર્સ અને નવી પેલેસ્ટાઇન પોલીસ સંયુક્તપણે ગાઝાની સુરક્ષાની કમાન સંભાળશે. આ વ્યવસ્થાથી ઇઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ભવિષ્યમાં ગાઝાનો ઉપયોગ આતંકવાદી હુમલાના અડ્ડા તરીકે નહીં થઈ શકે.
આ સમજૂતી અંતર્ગત ગાઝામાં એક નવી પેલેસ્ટાઇનની સરકારની રચના કરવામાં આવશે. જે બોર્ડ ઓફ પીસ સાથે મળીને પ્રશાસન, પુનર્નિર્માણ અને સામાન્ય લોકોના જીવનને સામાન્ય બનાવવાનું કાર્ય કરશે. ટ્રમ્પે આને તેમના ૨૦-પૉઇન્ટ પ્લાનનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે. જેનો ઉદ્દેશ્ય ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાનો છે.
અમેરિકી પ્રમુખે આ સમજૂતી માટે ઇજીપ્ત, કતર અને તુર્કીની મધ્યસ્થતાની પ્રશંસા કરી છે. જાેકે, આ એલાન છતાં ગાઝામાં હિંસા હજુ અટકી નથી. ફિલિસ્ટીની સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે ઇઝરાયેલી હવાઈ હુમલાઓમાં ૨ બાળકો સહિત ઓછામાં ઓછા ૬ લોકોના મોત થયા છે.
વ્હાઇટ હાઉસે આ પગલાને કાયમી શાંતિ અને સુરક્ષા તરફનું એક મોટું ડગલું ગણાવ્યું છે. જ્યારે હમાસ તરફથી આ અંગે કોઈ ત્વરિત સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે બોર્ડ ઓફ પીસ એ ૨૦૨૬ માં રચાયેલી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જેને ગાઝાના યુદ્ધ પછીના પુનર્નિર્માણ અને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રમ્પ આ સંસ્થાના સ્થાપક અધ્યક્ષ છે.




