
લોકો વિદેશમાં નિયમો પાળે છે, પણ અહીં ગંદકી કરે છે હાઈકોર્ટે ભારતમાં ગમે ત્યાં કચરો ફેંકવાની લોકોની ટેવ સામે નારાજગી વ્યક્ત કરી અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, જાે આપણે સ્વચ્છ વાતાવરણ ઇચ્છતા હોઈએ, તો સફાઈ જાળવવી એ આપણી મૂળભૂત જવાબદારી છે
ભારતમાં લોકોની ગમે ત્યાં કચરો ફેંકવાની ટેવ પર હાઇકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે ટિપ્પણી કરતા કહ્યું કે, લોકો ભારતમાં તો ગમે ત્યાં કચરો ફેંકી દે છે, પરંતુ વિદેશોમાં જઈને આ અંગેના તમામ નિયમોનું પાલન કરે છે. ત્યાં લોકો માત્ર નક્કી કરેલી જગ્યાએ જ કચરો નાખે છે. અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે, શું આઝાદી અને લોકશાહીની કિંમત આ જ છે?
જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ આરતી સાઠેની બેંચે શુક્રવારે નાગરિકો અને મ્યુનિસિપલ અધિકારીઓને જાગરૂક કરવા પર ભાર મૂક્યો હતો, જેથી જાહેર રસ્તાઓ અને જગ્યાઓ પર કચરો ન પડેલો રહે તે સુનિશ્ચિત કરી શકાય.
હાઇકોર્ટે નાગરિકોની ગંદકી કરવાની ટેવ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, જાે આપણે સ્વચ્છ વાતાવરણ ઇચ્છતા હોઈએ, તો સફાઈ જાળવવી એ આપણી મૂળભૂત જવાબદારી છે. વિદેશમાં જઈને નિયમો પાળતા અને ડસ્ટબિનનો જ ઉપયોગ કરતા લોકો અહીં રસ્તા પર ગંદકી કરતા અચકાતા નથી. કોર્ટે નાગરિક તંત્રના અધિકારીઓને કચરો ફેંકનારાઓ સામે કડક પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈના કંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ આસપાસ રહેતા લોકોને થતી દુર્ગંધ, પ્રદૂષણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગેની અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.
જાહેર જગ્યાઓ પર વધતા પ્લાસ્ટિકના કચરા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યો કે, દરિયાકાંઠા પણ પ્લાસ્ટિકથી ભરાયેલા છે, તો શું આપણે કોઈ સભ્ય સમાજમાં રહીએ છીએ? રસ્તાઓ અને શેરીઓમાં ફેંકાયેલા આ કચરાના કારણે દરરોજ લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જાેખમ ઊભું થઈ રહ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકા (MCGM)ના સ્વચ્છ મુંબઈના નારાનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે, મનોરથ તો સારો છે, પરંતુ નાગરિકો અને સરકારી મશીનરીની સુસ્તી મળીને તેને નિષ્ફળ બનાવી રહી છે. આવા સંજાેગોમાં દરેક વોર્ડ સ્તરે MCGM ને સફાઈ મશીનરીની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની જાય છે, જેથી જાહેર રસ્તાઓને કચરો ફેંકવાની જગ્યા ન બનવા દેવાય.
કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જાે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તંત્રની ઉમદા આશાઓ નિષ્ફળ જશે. તેમણે સુધારા માટે તમામ નિયમો કડક રીતે લાગુ કરવા નિર્દેશ આપ્યા હતા. આ સિવાય રાજાબાઈ ટાવર, હાઇકોર્ટ બિલ્ડિંગ વગેરે જેવી હેરિટેજ સાઇટ્સ નજીક કચરો ઉપાડવાની પદ્ધતિ સામે પણ અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી.
અદાલતે નોંધ્યું કે, આ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓ સહિતના સૈલાનીઓને કચરાના ટ્રકોની લાપરવાહીના કારણે રસ્તા પર પડેલો કચરો જાેવો પડે છે.
હાઇકોર્ટે નાગરિક તંત્રને આ મામલે એક અઠવાડિયાની અંદર યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે, અન્યથા કોર્ટે કડક આદેશો જારી કરવાની ચીમકી આપી છે.




