
૨૦ ડિસેમ્બરે મૃત મળી આવી હતી હિમાન્શી કેનેડામાં ભારતીય મહિલાની હત્યા, ૭ મહિના બાદ આરોપી પકડાયો હત્યાના લગભગ સાત મહિના બાદ પોલીસે તેના નજીકના સાથી ૩૨ વર્ષીય અબ્દુલ ગફૂરીની ધરપકડ કરી છે
કેનેડાના ટોરન્ટોમાં મૂળ ભારતની ૩૦ વર્ષીય યુવતી હિમાન્શી ખુરાનાની હત્યાના લગભગ સાત મહિના બાદ પોલીસે તેના નજીકના સાથી ૩૨ વર્ષીય અબ્દુલ ગફૂરીની ધરપકડ કરી છે. આરોપીને શુક્રવારે ટોરન્ટો એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો હતો અને તેની સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો આરોપ લાગ્યો છે.
હિમાન્શી ખુરાના ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ટોરન્ટોના સ્ટ્રેચન એવન્યુ અને વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ વિસ્તારમાં આવેલા એક ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ પહેલાં ૧૯ ડિસેમ્બરની રાત્રે લગભગ ૧૦:૪૧ વાગ્યે પોલીસને તે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે લગભગ ૬:૩૦ વાગ્યે પોલીસે તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. તપાસમાં આ ઘટનાને હત્યા ગણાવવામાં આવી હતી.
પોલીસની તપાસ દરમિયાન હિમાન્શી અને અબ્દુલ ગફૂરી વચ્ચે નજીકના સંબંધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં હિમાન્શી ખુરાનાની હત્યામાં અબ્દુલનો હાથ હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે અબ્દુલની ધરપકડ માટે વોરંટ જાહેર કર્યું હતું અને ઠેર-ઠેર તેના ફોટા લગાવવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી આરોપી ફરાર રહ્યો હતો. ટોરન્ટો પોલીસે શનિવારે જણાવ્યું કે, અબ્દુલની શુક્રવારે ટોરન્ટો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. જાેકે, પોલીસ દ્વારા એ જણાવવામાં આવ્યું નથી કે અબ્દુલ ૭ મહિનાથી ક્યાં છુપાયેલો હતો. પોલીસે કહ્યું કે, હાલ અબ્દુલની પૂછપરછ કરવામાં આવી રહી છે.




