
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP ના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે કદમ કદમ પર લડત આપવાનો અને ઇન્કલાબનો નારો આપતાં અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળની રજૂઆત સામે તીખા સવાલો ઊભા કર્યા છે. શિક્ષક મંડળે કમિશનર અને કલેક્ટરને પત્ર લખીને સ્કૂલોમાં રાજકીય કે સામાજિક નેતાઓ દ્વારા કરવામાં આવતી વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પર રોક લગાવવા તથા કાનૂની પગલાં લેવા માંગ કરી હતી. આ અંગે યાત્રિક પટેલે જણાવ્યું કે ગુજરાતમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો, વર્ગખંડો, કમ્પ્યુટર લેબ, પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. આ તમામ ગંભીર મુદ્દાઓ અંગે રજૂઆત કરવાને બદલે, જ્યારે નેતાઓ શિક્ષણની બરબાદી અને દયનીય સ્થિતિને જનતા સમક્ષ ઉજાગર કરે છે ત્યારે તેમના પર રોક લગાવવાની વાત કરવી એ શિક્ષક મંડળ પર રહેલા રાજકીય દબાણની સાબિતી આપે છે.
’આપ’ વિધાર્થી નેતા યાત્રિક પટેલે વધુમાં ખુલાસો કર્યો કે ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન અંતર્ગત ASAP ની ટીમે બે દિવસ પહેલા રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના અસરાવા વિધાનસભા વિસ્તારમાં આવેલી શાહીબાગ શાળા નંબર ૪ ની મુલાકાત લીધી હતી. પતરાવાળી આ શાળામાં શિક્ષકો, ઓરડાઓ અને કમ્પ્યુટર લેબની અછતની વાસ્તવિકતા જનતા સમક્ષ મૂકવામાં આવી હતી, જેનાથી પ્રેરાઈને સરકાર દ્વારા શિક્ષક મંડળને બહાનું બનાવીને આ દબાણ લાવવામાં આવી રહ્યું છે. તેમણે શિક્ષણ વિરોધી માનસિકતા ધરાવતી સરકારને સ્પષ્ટ ચિમકી આપતાં કહ્યું કે તેઓ આવા પત્રો કે દબાણથી ડરવાના કે અટકવાના નથી. ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન હેઠળ આગામી સમયમાં પણ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની શાળાઓની પોલ ખોલવામાં આવશે અને જ્યાં સુધી રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થા સુધરશે નહીં ત્યાં સુધી સંઘર્ષ અને લડત ચાલુ જ રહેશે.




