
પીએ સામે ઈડીના દરોડા બાદ ર્નિણય લીધો પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું ધર્યું ચંદન સિંહના ઘરેથી ૩૨ લાખ રૂપિયાની બેહિસાબી રોકડ, ૨૦૦ ગ્રામ જેટલું સોનું અને ૧૨ જેટલી લક્ઝુરિયસ વૉચ કબજે લેવામાં આવી
ઉત્તરાખંડથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પાર્ટીના તમામ હોદ્દા પરથી અચાનક જ રાજીનામું ધરી દઈને સૌને ચોંકાવી દીધા. તેમનો આ ર્નિણય એવા સમયે આવ્યો જ્યારે તેમના પીએ ચંદન સિંહ સામે ED એ મોટી કાર્યવાહી હાથ ધરતાં દરોડા પાડ્યા હતા.આ કાર્યવાહી બાદ રાજીનામું આપી દેતા રાવતે કહ્યું કે હું નથી ઇચ્છતો કે મારા કારણે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચલાવાઈ રહેલા સંઘર્ષ સામે કોઈ સવાલો ઊભા થાય. તેમણે આ મામલે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ પણ મૂકી હતી. ખરેખર તો ઈડીએ ૨૦૧૬માં લેવાયેલી ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષામાં ગરબડ સંબંધિત કેસમાં મની લોન્ડરિંગ મામલે દહેરાદૂનમાં અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી હતી જેમાં ચંદન સિંહનું ઘર પણ સામેલ હતું.ED ના જણાવ્યાનુસાર ચંદન સિંહના ઘરેથી ૩૨ લાખ રૂપિયાની બેહિસાબી રોકડ, ૨૦૦ ગ્રામ જેટલું સોનું અને ૧૨ જેટલી લક્ઝુરિયસ વૉચ કબજે લેવામાં આવી હતી. આની સાથે ચંદન અને તેમના પરિવારના સભ્યોના બેન્ક ખાતામાં હાજર ૫૨.૧૬ લાખ રૂપિયાની જમા રકમ પણ જપ્ત કરી લેવામાં આવી છે. ચંદન પૂર્વ સીએમ રાવતના કાર્યકાળ વખતે ઓએસડી પદે રહ્યા હતા અને હાલમાં તે તેમના પીએ તરીકે કામગીરી કરી રહ્યા હતા.કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે આ અહેવાલોનું સાચું સત્ય તપાસ બાદ જ સામે આવશે. ભરતી પરીક્ષાઓમાં ગડબડના આરોપો અંગે તેમણે કહ્યું કે જાે આ દાવા સાબિત થશે તો તે તેમના માટે શરમજનક બાબત ગણાશે, જાેકે તેમને આવા આરોપો પર જરાય વિશ્વાસ નથી. તેમણે આક્ષેપ કર્યાે હતો કે આગામી ચૂંટણી પહેલાં માહોલ બગાડવા અને રાજકીય નેરેટિવ ઊભો કરવા માટે જ તેમના સહયોગીને નિશાન બનાવાયા છે, તેમજ પાર્ટીની સાખ અને સંઘર્ષને નુકસાન ન પહોંચે તે માટે તેઓ પ્રદેશ કારોબારી અને કાૅંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ના પદો પરથી અલગ થઈ રહ્યા છે. પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૪૨,૦૦૦ થી વધુ સરકારી પદો પર થયેલી ભરતીઓનો ઉલ્લેખ કરતાં રાવતે ઉમેર્યું હતું કે જાે નિમણૂકની પ્રક્રિયામાં અજાણતા પણ કોઈ ચૂક થઈ હોય તો તેઓ રાજ્યની જનતાની માફી માંગે છે, અને ભરતી આયોગના તત્કાલીન અધ્યક્ષ સામે ફરિયાદ મળતાં જ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.




