
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સમગ્ર ગુજરાત માં ચકચાર મચાવનાર ભાવનગરના નકલી દારૂ કાંડ ને કારણે ૧૩ વ્યક્તિઓના થયેલા મોતનો મામલો હાલ માં અખબારોમાં જે પ્રમાણે ગુજરાત રાજ્ય ની સરકાર માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે.ત્યારે સવાલ એ છે કે શું દારૂના દૈત્યને નાથવાનું કામ માત્ર પોલીસ તંત્ર ની જ જવાબદારી છે? કેમ આ અંગે ચૂંટાયેલા જે તે વિસ્તારના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સંસદ સભ્યોની પણ એટલી જ બનતી હોય છે. જો જે તે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના વિસ્તારોમાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોય અને ચૂંટાયેલાઓ ગમે તે પક્ષના હોય એ આ દારૂ ના અડ્ડાથી અજાણ હોય ખરા? જવાબ છે ના, કારણકે આ એજ દારૂવાળાઓ છે જેમની ઉપર રાજકારણીઓની છત્રછાયા હોય છે અને આજ ચૂંટાયેલા નેતાઓ ચૂંટણીઓમાં દારૂવાળાઓના સહારે જ ચૂંટણીઓ જીતતા હોય છે. એને કારણે પોલીસ પણ દેખાવ પૂરતા જ દરોડા પાડીને નામના જ દારૂ ના કેસો કરીને દારૂવાળાઓ સાથે મસ મોટા હપ્તાઓનું સેટિંગ કરી પોતાના રોટલા શેકતા થઈ જતાં હોય છે. જ્યારે દારૂ પીધેલા કે વેચનાર પકડાય ત્યારે પોલીસ ઉપર આવા રાજકારણીઓના ફોન આવી જતાં હોય છે.અને પકડાયેલ વ્યક્તિ સારો માણસ કે કાર્યકર છે.એમ કરી પોલીસની કાર્યવાહીમાં વિધ્ન નાંખવામાં આવે છે.
આ હપ્તાનું રાજકારણ નીચે પોલીસ તંત્રથી લઇ ને ઉપર ગૃહ ખાતા સુધી ચાલતું હોવાથી કપડા માં જ્યારે બધા જ નાગા હોય ત્યારે પ્રજા પણ બિચારી બાપડી બનીને તમાસો જોયા સિવાય કરી પણ શું શકે ? આને લઇ ને ભૂતકાળ માં પણ લઠ્ઠાકાંડ માં ૧૫૦ ઉપરાંત માનવીઓના મૃત્યુ થયા હોવા છતાં જો વારંવાર દારૂનો દૈત્ય નગ્ન નાચ કરી ૧૩ વ્યક્તિઓને ભખી જતો હોય ત્યારે ગાંધીના ગુજરાત માં કહેવાતી દારૂબંધીનું નાટક શા માટે ? રાજય ના દરેક ગામ થી લઇ ને મોટા મોટા, શહેરો માં ચાલતા દેશી, વિદેશી દારૂના અડ્ડાઓ ખાનગી જગ્યાઓ તો ઠીક સરકારી જગ્યાઓ ઉપર પણ ચાલતા હોય છે જેની કોર્પોરેટરો,ધારાસભ્યો અને સંસદસભ્યોને
જાણકારી હોવા છતાં આજદિન સુધી આ અડ્ડાઓ કેમ બંધ થતા નથી. કારણકે દારૂના અડ્ડાવાળાઓ સાથે પોલીસ અને રાજકારણીઓની મીલીભગતન કારણે આવા અડ્ડાઓ ધમધમતા હોય છે. આપણા માં કહેવત છે કે જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં ફરિયાદ કોને કરવી? એવું જ દારૂ ના અડ્ડાવાળાઓનું છે.
જો પ્રજા દારૂવાળા ની વિરૂદ્ધ ફરિયાદ કરે તો પોલીસ તો ઠીક પણ ચૂંટાયેલાઓ જ ફરિયાદીને આડકતરી રીતે ધાક ધમકી આપીને એનકેન પ્રકારે ચૂપ કરી દેતા હોય છે એને લઈ ને દારૂવાળાઓની હિંમત પણ વધી જતી હોય છે અને અડ્ડાઓ ધમધમતા હોય છે.




