
ટ્રમ્પ-જિનપિંગની સંમતિ છતાં પ્રતિબંધ મૂકવો ખોટો ડીપ સીક પર અમેરિકાના પ્રતિબંધથી ચીન ભડક્યું પ્રતિબંધ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે થયેલી મહત્ત્વપૂર્ણ સમજૂતીની ભાવનાથી વિપરીત : ચીન અમેરિકાની સરકારી આઇટી સિસ્ટમ માંથી ચીની એઆઇ મોડેલ ‘DeepSeek’ પર પ્રતિબંધ મૂકવાના ર્નિણયથી ચીન ભારે નારાજ થયું છે. ચીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ વચ્ચે તાજેતરમાં બનેલી સંમતિનો હવાલો આપતા અમેરિકાને આ પ્રતિબંધને તાત્કાલિક હટાવવા માંગ કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે મંગળવારે આ ર્નિણય પર કડક પ્રતિક્રિયા આપતા અમેરિકાથી ભેદભાવપૂર્ણ પ્રતિબંધો દૂર કરવા અપીલ કરી છે. ચીનનું કહેવું છે કે, આ પ્રકારના પગલાંથી સામાન્ય વ્યાપારી સહયોગ પ્રભાવિત થશે અને ચીની કંપનીઓના હિતોને નુકસાન પહોંચશે.ચીને સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રતિબંધ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે થયેલી મહત્ત્વપૂર્ણ સમજૂતીની ભાવનાથી વિપરીત છે. જ્યારે બંને દેશો પોતાના સંબંધો સુધારવા અને વ્યાપારી સહયોગ સામાન્ય બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે આવા ર્નિણયોથી વૈશ્વિક ટેકનોલોજી બજારમાં તણાવ વધવાની શક્યતા છે.DeepSeek એ ચીનનું એક અદ્યતન AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ છે, જે હાલમાં વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ચર્ચામાં છે. તેનો ઉપયોગ પ્રશ્નોના જવાબો મેળવવા, ડેટાનું વિશ્લેષણ કરવા અને વિવિધ ડિજિટલ કામગીરી માટે કરવામાં આવે છે.




