
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મુંબઈના લાલબાગ ચા રાજાના દર્શન સાથે ચરણસ્પર્શની લાઈનમાં ઉભેલા ગુજરાતના દહેગામના કપડાના વેપારી જયેશ ભાવસાર અને પુણેના પચીસ વર્ષના એન્જિનિયર જયદીપ નેમાડેનું હાર્ટ-એટેકના કારણે અવસાન થતાં આખું મુંબઈ સ્તબ્ધ બની ગયું છે. આમાં મંડળોની બેદરકારી, સુરક્ષા-કર્મચારીઓની દાદાગીરી અને VIP લોકો માટે કલાકો સુધી સામાન્ય લાઈન રોકી રાખવાની નીતિના મુદ્દાઓ મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ગણેશોત્સવ આસ્થાનું પર્વ છે. અને એમાં પણ લાલબાગ ચા રાજાનો મહિમા દેશ-વિદેશમાં એવો વ્યાપક બન્યો છે કે દુનિયાભરમાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે. જોકે છેલ્લાં થોડાંક વર્ષોથી લાલબાગ ચા રાજા ગણેશોત્સવ મંડળના કાર્યકરો દ્વારા સેલિબ્રિટીઝ સાથે થતાં વ્યવહારમાં અને સામાન્ય માણસો સાથે થતાં વ્યવહારમાં ભેદભાવ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.અને આ બાબતે એવી પણ કાનાફૂંસી લોકો માં થઈ રહી છે કે લાલબાગ ચા રાજાના પંડાલ માં શ્રદ્ધા પર સોશ્યલ મીડિયાને કારણે વ્યાપેલો ક્રેઝ અને જાણીજોઈને સેલિબ્રિટીઝની ઉપસ્થિતિ દ્વારા ઊભો કરાયેલો હાઉ છે જેનો ભોગ સામાન્ય ભક્તો બની રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાક માં બાપ્પાના ચરણસ્પર્શની લાઈનમાં ઉભેલા બે શ્રદ્ધાળુઓના હાર્ટ-એટેકને કારણે થયેલાં મૃત્યુએ પણ વિવાદ સર્જ્યો છે. આખરે ભગવાને જ માણસને બનાવ્યો છે. અને માણસે બનાવેલી મૂર્તિ માટે ભગવાને બનાવેલા માણસ સાથે આવો વ્યવહાર? આ જોઈને ભક્તોની લાગણીને ઠેસ પહોંચે એ સ્વાભાવિક છે. ત્યારે બોલો જય ગણેશ.




