
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમે ગાંધીનગર ખાતે સ્ક્રુટિની માટે ઉમેદવારોની સાથે કલેકટર કચેરી આવ્યા હતા. તો અહીંયા આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 5 ના ઉમેદવાર જીતેન્દ્રભાઈ ચૌહાણનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ ફક્ત રાજકીય કારણોના લીધે ફોર્મ રદ કરવામાં આવી રહ્યું છે. જે દિવસે જીતેન્દ્રભાઈએ ફોર્મ ભર્યું એ દિવસે તમામ ડોક્યુમેન્ટ હતા અને અમે તમામ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભર્યું છે એની રસીદ લઈને નીકળ્યા હતા. જો કોઈ પણ વસ્તુની ઉણપ હોય કે કમી હોય તો ખાતરી ફોર્મમાં એ લોકો જણાવતા હોય છે કે અથવા તો એ કોઈ નોટિસ આપવી પડતી હોય છે. એ સમયે તેમણે મેન્ડેટ વિશે કોઈ વાત કરી ન હતી અને આજે કહી રહ્યા છે કે ફોર્મ ભર્યું એ સમયે મેન્ડેટ હતું નહીં અને જીતેન્દ્રભાઈનું ફોર્મ રદ થશે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડૉ.કરન બારોટે જણાવ્યું હતું કે, જો તમને લાગતું હતું તો તમે અત્યારે પણ નોટિસ આપી શકતા હતા પરંતુ તમે એવું ન કર્યું કારણ કે તમામ કોશિશો થઈ રહી છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડે જ નહીં કારણ કે કોંગ્રેસના ઉમેદવારો જો લડશે અને જીતશે તો એ તો ભાજપમાં જતા રહેશે, એવું સેટિંગ છે પરંતુ આમ આદમી પાર્ટીવાળા આવું સેટિંગ કરતા નથી. અને આ કારણોસર અમારા એક ઉમેદવારનું ફોર્મ રદ કર્યું છે અને બીજા એક ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારનું ફોર્મ પણ રદ કર્યું છે. જો ભાજપે આ જ રીતે ચૂંટણી જીતવી હોય તો અમે કહી રહ્યા છીએ કે ચૂંટણી જ રદ કરી નાખો અને ભાજપના બધા ઉમેદવારોને વિજેતા જાહેર કરી દો. આ રીતે ચૂંટણી થશે તો એ લોકતંત્રની હત્યા છે એવું અમારું માનવું છે. ભાજપ પાસે ઇડી છે, સીબીઆઇ છે અને હવે ઇલેક્શન કમિશન પણ શંકાના દાયરામાં છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને યોગ્ય તક આપવામાં નથી આવતી. જે લોકો સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવે છે અને જીતેન્દ્રભાઈ જેવા પ્રજાની સેવા કરવાવાળા લોકોના જો ફોર્મ રદ્દ થતા હોય તો મને લાગે છે કે આ રીતની લોકશાહી અને આ રીતના તંત્ર માટે આપણા પૂર્વજોએ આઝાદીની લડાઈ લડી ન હતી.




