
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આપણે નાના હતા ત્યારે માટીના, લાકડાના,તથા પતરાની નાની મોટરો અને પ્લાસ્ટીકના ગુગરા જેવા રમકડાંથી આનંદ લેતા હતા. ત્યારે હવે આખો જમાનો બદલાઈ ગયો છે. બાળકના હાથમાં રમકડું હોવું જોઈએ, હથિયાર નહીં, તેની આંખોમાં સપના હોવા જોઈએ, હિંસાના દ્રશ્યો નહીં, અને તેના મનમાં પ્રેમ, સંવેદના તથા સહાનુભૂતિ હોવી જોઈએ, બદલો અને ક્રૂરતાની ભાવના નહીં. પરંતુ આજના સમાજમાં બાળપણની આ સ્વાભાવિક ઓળખ જાણે ધીમે ધીમે બદલાઈ રહી છે. નાની ઉંમરના બાળકોમાં ગુસ્સો, આક્રમકતા અને હિંસક વલણની વધતી ઘટનાઓ માત્ર ચિંતાનો વિષય નથી. પરંતુ આવનારી પેઢીના માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય સામેની ભારે ગંભીર ચેતવણી છે. હરિયાણાના પંચકુલાની એક શાળામાં ત્રીજા ધોરણમાં ભણતા આઠ વર્ષના બાળકે છ વર્ષની બાળકી પર કરેલો ક્રૂર આ જ ચિંતાને વધુ ઘેરી બનાવે છે.
ખેર? પ્રશ્ન મોબાઇલ ગેમ્સ બંધ કરવાનો નથી, પરંતુ બાળકોને હિંસાથી દૂર રાખે એવું સ્વસ્થ વાતાવરણ ઊભું કરવાનો છે. ટેકનોલોજીનો વિકાસ અટકાવી શકાતો નથી, પરંતુ તેનો સમજદારીપૂર્વક ઉપયોગ શીખવી શકાય છે. સરકાર, શાળા, માતા-પિતા અને સમાજે પોતાની જવાબદારી સ્વીકારવી પડશે.
આજે માત્ર બાળકને નહીં પણ માતા-પિતાને, શિક્ષકોને અને સમગ્ર સમાજને પણ શીખવાની જરૂર છે કે નવી ટેકનોલોજી સાથે કઈ રીતે આગળ વધવું. નહીં તો આજે વર્ગખંડમાં બનેલી આવી ઘટના આવતીકાલે સમાજના બીજા અનેક ક્ષેત્રોમાં વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. બાળકો દેશનું ભવિષ્ય છે, એવું કહેવું સહેલું છે, પરંતુ એ ભવિષ્યને સુરક્ષિત અને સંવેદનશીલ બનાવવાની જવાબદારી નિભાવવી અઘરી છે. બાળપણને મોબાઇલની સ્ક્રીન, હિંસક રમતો અને અસંવેદનશીલ સામાજિક વાતાવરણના ભરોસે છોડી શકાય નહીં, કારણ કે બાળકનું બાળપણ બગડે ત્યારે માત્ર એક પરિવાર નહીં આખો સમાજ તેનું પરિણામ ભોગવે છે.




