
ઇન્દિરા એકાદશીનું માહાત્મય અને કથા
પૌરાણિક ગ્રંથ પદ્મ પુરાણ અનુસાર સતયુગના સમયમાં માહિષ્મતી નામના સુંદર નગરમાં ઇન્દ્રસેન નામનો એક પ્રતાપી,ન્યાયપ્રિય અને ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા.રાજા ઇન્દ્રસેન ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત હતા અને તેમની પ્રજા પણ સુખી તથા ધર્મપારાયણ હતી. એકવાર જ્યારે રાજા ઇન્દ્રસેન પોતાની રાજસભામાં સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે અચાનક દેવર્ષિ નારદજી બ્રહ્મલોકથી આકાશ માર્ગેથી નીચે ઉતર્યા અને સભામાં પધાર્યા.દેવર્ષિ નારદજીને આવતા જોઈને રાજા ઇન્દ્રસેન તાત્કાલિક પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા, ત્યારબાદ રાજાએ વિધિવત રીતે તેમનું પૂજન કર્યું, ચરણ ધોયા અને તેમને આસન પર બેસાડ્યા. આદર સત્કાર સ્વીકાર્યા પછી દેવર્ષિ નારદજીએ રાજાને કુશળતા પૂછી અને તેમના રાજ્યમાં બધું કુશળ ક્ષેમ હોવાની વાત જાણી,ત્યારબાદ રાજાએ હાથ જોડીને વિનમ્રતાપૂર્વક નારદજીને પૂછ્યું કે "હે મુનિવર ! આપની કૃપાથી મારા રાજ્યમાં બધા કુશળ છે પરંતુ કૃપા કરીને મને યમલોકની સ્થિતિ અને મારા પિતા વિશે જણાવો, મેં સ્વપ્નમાં કે અજાણતા મારા પિતાને યમરાજના દરબારમાં કષ્ટ ભોગવતા જોયા છે.
રાજાની વાત સાંભળીને દેવર્ષિ નારદજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું અને ગંભીર થઈને બોલ્યા કે "હે રાજન ! તું જે કહી રહ્યો છે તે સત્ય છે. હું થોડા સમય પહેલાં જ યમલોકની મુલાકાતે ગયો હતો, જ્યાં મેં તમારા પિતાને જોયા હતા.તમારા પિતાએ પોતાના પૂર્વજન્મમાં કોઈક એવું પાપ કે અજાણતા એકાદશી નું વ્રત ભંગ કર્યું હતું જેના કારણે તેમને યમરાજની સભામાં કષ્ટ ભોગવવું પડી રહ્યું છે.તમારા પિતાએ મને એક સંદેશો આપ્યો છે કે હે પુત્ર ! તું પૃથ્વી પર જઈને મારા નિમિત્તે ઇન્દિરા એકાદશીનું વ્રત કર જેથી મને આ નરક યાતનામાંથી મુક્તિ મળે. પિતાના આ દુઃખદ સમાચાર સાંભળીને રાજા ઇન્દ્રસેનનું હૃદય દ્રવી ગયું અને તેઓ અત્યંત વ્યથિત થઈ ગયા, તેમણે નારદજીને ગદગદિત અવાજે પૂછ્યું કે "હે દેવર્ષિ ! કૃપા કરીને મને આ ઇન્દિરા એકાદશીના વ્રતની સંપૂર્ણ વિધિ જણાવો જેથી હું આ વ્રત કરીને મારા પિતાને મુક્ત કરાવી શકું.
વ્રતની વિધિ અને નિયમો..
ત્યારે દેવર્ષિ નારદજીએ રાજા ઇન્દ્રસેનને ઇન્દિરા એકાદશીની વિધિ વિસ્તારપૂર્વક સમજાવતાં કહયું કે ભાદરવા વદ પક્ષની દશમની તિથિના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવારીને પવિત્ર થઈ જવું. બપોરે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું અને રાત્રે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું એટલે કે દશમની રાત્રે ઉપવાસના નિયમોનું પાલન કરવું. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું,ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ-શાલિગ્રામજીની મૂર્તિની સ્થાપના કરવી. હાથમાં જળ અને અક્ષત લઈને પિતૃઓનું સ્મરણ કરીને સંકલ્પ કરવો કે "આજે હું મારા પિતા કે પિતૃઓની સદગતિ અને મુક્તિ માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરૂં છું,ભગવાન વિષ્ણુ અને પિતૃઓ મારી આ પૂજાનો સ્વીકાર કરો." ભગવાન વિષ્ણુને ધૂપ,દીપ,નૈવેદ્ય,ઋતુફળ અને તુલસીદળ અર્પણ કરવા.આખો દિવસ મનોમન 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો.રાત્રે ભગવાનની ચોકી આગળ જાગરણ કરવું.દ્વાદશી તિથિના દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન કરાવવું, તેમને દક્ષિણા આપવી અને ત્યારબાદ પોતાના પરિવાર સાથે પારણાં કરવા-ભોજન ગ્રહણ કરવું.
વ્રતનું ફળ અને પિતાની મુક્તિ..
દેવર્ષિ નારદજી દ્વારા જણાવેલી આ વિધિ અનુસાર રાજા ઇન્દ્રસેને પોતાની પત્ની-ભાઈઓ અને સેવકો સાથે સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું. જેવું રાજાએ આ વ્રત પૂર્ણ કર્યું તે સાથે જ આકાશમાંથી દેવતાઓ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી, તે જ ક્ષણે રાજાના પિતા યમરાજના બંધનથી મુક્ત થઈ ગયા, તેમના પાપો નાશ પામ્યા અને તેઓ દિવ્ય સ્વરૂપ ધારણ કરી ગરૂડ પર આરૂઢ થઈને સીધા વૈકુંઠધામ તરફ પ્રયાણ કરી ગયા. આ કથાનો મહિમા એ છે કે જે કોઈ મનુષ્ય આ ઇન્દિરા એકાદશીની કથા સાંભળે છે કે વાંચે છે, તેના દ્વારા થયેલા તમામ પાપો નાશ પામે છે અને અંતે તે વ્યક્તિ ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત
કરે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




