
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ આ દેશના લોકતંત્રનું ગળું દબાવવાની કોશિશ કરે, ત્યારે આ દેશના લોકો જાગે એ જ નાગરિકોનો સૌથી મોટો રોલ હોય છે. આમ તો લોકો સરકારની સામે બંધનું એલાન જાહેર કરતા હોય છે અને પોતાની માંગણીઓ માટે લોકો ભારત બંધનું એલાન કરતા હોય છે. પરંતુ અત્યારે શાસનમાં ભાજપ છે અને પહેલી વખત એવું બન્યુ છે કે ભાજપે દિલ્હી બંધનું એલાન કર્યું છે. દિલ્હીમાં હાલ કિલ્લેબંધી કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્ય છે, દેશના અલગ અલગ વિસ્તારોમાંથી જે ટ્રેનો દિલ્હી પહોંચી રહી છે તેને બંધ કરવામાં આવી રહી છે, બોર્ડર સીલ કરવામાં આવી છે, કોલેજ યુનિવર્સિટીને નોટિસ આપવામાં આવી છે કે કોઈ સ્ટુડન્ટ આવતીકાલે બહાર નીકળવો ન જોઈએ. 15 હજાર દિલ્હી પોલીસ, 35 હજાર પેરા મીલીટરી ફોર્સ એમ કુલ 50 થી 60 હજાર જવાનો દિલ્હીમાં આંદોલન ન થાય એ માટે ઘેરો નાખીને બેઠા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, પહેલી વખત એવું બની રહ્યું છે કે કોઈ સરકાર આંદોલનથી આટલી ડરી રહી છે. આ આંદોલનની મોટી જીત છે કારણ કે દિલ્હીમાં સરકાર જે રીતે આંદોલનને દબાવવા માંગે છે. 13 કરોડ લોકોના નામ મતદારયાદીમાંથી રદ કરવામાં આવ્યા છે અને ચૂંટણીઓ જીતવા માટે દેશની એક પાર્ટી બંધારણને ખતમ કરવા કોશિશ કરી રહી છે તો હું તમામ લોકોને આ સમયે અપીલ કરું છું કે ચાલો જો શક્ય હોય તો દિલ્હી જઈ આ આંદોલનમાં જોડાઈએ અને જો દિલ્હી ન જઈ શકો તો આપણા ઘરેથી આપણા વિસ્તારમાંથી આંદોલનને સમર્થન આપીએ કારણકે આ કોઈ એક પાર્ટીની લડાઈ નથી પરંતુ આ લડાઈ આપણા બધાના ભવિષ્યની લડાઈ છે, આ લોકતંત્રને બચાવવાની લડાઈ છે અને આ લડાઈ લડવાની આપણા તમામની ફરજ છે.




