
માત્ર ૩૫ દિવસમાં ચાર્જશીટ અને કડક કાર્યવાહી જામનગર પોક્સો કોર્ટે ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસમાં આરોપીને ફટકાર્યો મૃત્યુદંડ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીડિતાને ઝડપી ન્યાય અપાવવા બદલ પોલીસ ટીમ અને ન્યાય તંત્રને અભિનંદન પાઠવ્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા બાળકીઓ અને મહિલાઓ સામે થતા ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ કડક અમલીકરણના ભાગરૂપે જામનગર જિલ્લામાં માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં નામદાર પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી આરોપીને ફાંસીની સજા (મૃત્યુદંડ) ફટકારી છે.
વર્ષ ૨૦૨૫ના જામનગર જિલ્લાના સિક્કા ખાતે ૮ વર્ષની માસૂમ બાળકીને આશરે એક માસ સુધી શારીરિક ત્રાસ આપી, પ્રતાડિત કરી, શરીરના ગુપ્ત ભાગો તથા છાતી પર દિવાસળીથી ડામ આપી, લોખંડના દસ્તા-ધોકા વડે માર મારી તેમજ દીવાલ સાથે ભટકાડી ર્નિમમ હત્યા કરવાનો અત્યંત ધૃણાસ્પદ બનાવ બન્યો હતો.
આ ગુનો શરૂઆતમાં અનડિટેક્ટ હતો. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા આરોપી નીતિન ડોસાજી માણેક (રહે. સિક્કા, જામનગર)ની સંડોવણી સામે આવી હતી. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી સાયન્ટિફિક, ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી બનાવના માત્ર ૩૫ દિવસમાં જ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
નામદાર પોક્સો કોર્ટ સમક્ષ સરકારી વકીલશ્રી દ્વારા કુલ ૨૩ સાહેદો અને ૯૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર પોક્સો કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણી આરોપી નીતિન ડોસાજી માણેકને ખૂનના ગુનામાં ફાંસીની સજા (મૃત્યુદંડ), પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ તથા રૂ.૫૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકી અને તેના પરિવારને ટૂંકા ગાળામાં ન્યાય અપાવવા બદલ જામનગર પોલીસ ટીમ તથા સરકારી વકીલોની કામગીરીને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.




