
‘મેં કહ્યું હતું એકલા ન રહો’ નાના પાટેકરના નિધનથી ભાંગી પડ્યા ડાયરેક્ટર અનિલ શર્મા નાના સાથે એટલો લાંબો સમય વિતાવ્યો છે કે અત્યારે અસંખ્ય વાતો યાદ આવી રહી છે, જે હવે આજીવન ફક્ત યાદો બનીને જ રહી જશે : અનિલ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી સમગ્ર સિનેમા જગત સ્તબ્ધ થઈ ગયું છે. ફિલ્મ ‘વનવાસ’માં તેમની સાથે કામ કરનાર જાણીતા દિગ્દર્શક અનિલ શર્મા આ દુ:ખદ સમાચાર સાંભળીને અત્યંત ભાવુક થઈ ગયા છે અને તેમણે નાના પાટેકર સાથે જાેડાયેલી લાગણીસભર પળો વાગોળતા પોતાની વેદના વ્યક્ત કરી છે.અનિલ શર્માએ શોક વ્યક્ત કરતા જણાવ્યું, ‘મેં નાનાને વારંવાર કહ્યું હતું કે પોતાના સાથે કોઈને રાખે, એકલા ન રહે, પરંતુ તેમણે મારી વાત માની નહીં. તેઓ દરેક કામ જાતે જ કરવા માંગતા હતા અને પોતાનું ખાવાનું પણ જાતે જ બનાવતા હતા. હું તેમને કહેતો હતો કે સર, કસરત કરો અને પોતાનું ધ્યાન રાખો, પરંતુ તેઓ હંમેશાં એમ જ કહેતા કે મને કંઈ નહીં થાય. આજે મને પોતાના પર પણ ગુસ્સો આવી રહ્યો છે, કારણ કે આ વખતે ગણેશોત્સવમાં તેમણે મને ખાસ બોલાવ્યો હતો, પરંતુ હું જઈ શક્યો નહોતો. મેં વિચાર્યું હતું કે પુણે જઈને તેમને મળીશ, પરંતુ હવે હું ક્યારેય તેમને મળી શકીશ નહીં. હવે સમજાય છે કે જે વાત મનમાં આવે તે તરત જ કરી લેવી જાેઈએ.’નાના પાટેકરના સરળ અને મળતાવળા સ્વભાવને યાદ કરતાં તેમણે ઉમેર્યું, ‘નાના હંમેશાં હસતા-મજાક કરતા રહેતા હતા. શૂટિંગના સેટ પર તેઓ જાતે જ રસોઈ બનાવતા હતા, મસાલા પણ જાતે તૈયાર કરતા અને સમગ્ર યુનિટના ૨૦૦ લોકોને પોતાના હાથે ખાવાનું બનાવીને જમાડતા હતા. તેઓ જેટલા ઉત્કૃષ્ટ કલાકાર હતા, તેનાથી પણ અનેક ગણા મોટા માણસ અને પરોપકારી સમાજસેવક હતા.’શૂટિંગ દરમિયાનના એક સંસ્મરણનો ઉલ્લેખ કરતાં ડિરેક્ટરે કહ્યું, ‘જ્યારે અમે શિમલામાં ‘વનવાસ’ના ક્લાઈમેક્સનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ભારે બરફવર્ષા થઈ રહી હતી. સવારે ૬ વાગ્યાથી લઈને સાંજે ૬ વાગ્યા સુધી તેઓ કલાકો સુધી થીજવી દેતી ઠંડીમાં બરફ પર ઊભા રહ્યા હતા. ફિલ્મમાં તેમના પાત્રના મોતના દ્રશ્યનું શૂટિંગ થઈ રહ્યું હતું અને તેઓ બરફ પર જરાય હલ્યા વગર સ્થિર ઊભા રહ્યા હતા. ત્યારે કોને ખબર હતી કે તે ફિલ્મી સીન વાસ્તવિક જીવનમાં આટલો જલ્દી સાચો પડી જશે! સવારે ઊઠ્યો ત્યારે નાનાના જવાની ખબર સાંભળીને મને સમજાતું જ નહોતું કે હું શું કરું.’અનિલ શર્માએ અંતમાં ભારે હૈયે જણાવ્યું, ‘નાના સાથે એટલો લાંબો સમય વિતાવ્યો છે કે અત્યારે અસંખ્ય વાતો યાદ આવી રહી છે, જે હવે આજીવન ફક્ત યાદો બનીને જ રહી જશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે, તેઓ જે પોતાના એનજીઓ દ્વારા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે ભગીરથ સંઘર્ષ કરી રહ્યા હતા, તે પુણ્ય કાર્યને પણ તેમના જવાથી મોટો ફટકો પડશે. નાના પાટેકર જેવા અથાક પરિશ્રમી અને કર્મઠ લોકો ક્યારેક જ આ દુનિયામાં પેદા થતા હોય છે.’




