
લાંબી બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું અવસાન થયું દીપક બાબરિયા માત્ર એક રાજકારણી નહોતા, પરંતુ સંગઠનને પાયામાંથી મજબૂત કરનારા જમીની સ્તરના નેતા હતા
ગુજરાત કોંગ્રેસના જમીની સ્તરના મજબૂત સ્તંભ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તાજેતરમાં જ કોંગ્રેસે વિરજી ઠુમ્મર જેવા દિગ્ગજ નેતા ગુમાવ્યા બાદ હવે દીપક બાબરિયાના નિધનથી સમગ્ર કોંગ્રેસ પરિવાર ઊંડા શોકની લાગણીમાં ડૂબી ગયો છે. તેમના અવસાનના સમાચાર મળતા જ પક્ષના તમામ કાર્યકરો, હોદ્દેદારો અને રાજકીય ક્ષેત્રે ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
દીપક બાબરિયા માત્ર એક રાજકારણી નહોતા, પરંતુ સંગઠનને પાયામાંથી મજબૂત કરનારા જમીની સ્તરના નેતા હતા. તેમણે ૧૯૭૦ના દાયકામાં AICC (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) થી પોતાની રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. વિદ્યાર્થી રાજકારણમાંથી બહાર આવીને તેમણે પોતાના સમર્પણ અને મહેનતના બળે રાષ્ટ્રીય સ્તર સુધી પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમની અદ્ભુત સંગઠન ક્ષમતાને ધ્યાને રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને છૈંઝ્રઝ્ર ના રાષ્ટ્રીય મહામંત્રી તરીકેની જવાબદારી સોંપી હતી. ૨૦૧૮ની મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ રાજ્યના કોંગ્રેસ ઈંચાર્જ (પ્રભારી) હતા. તેમની યોગ્ય વ્યૂહરચના અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં ભવ્ય જીત મેળવીને સરકાર બનાવી હતી. મધ્ય પ્રદેશમાં મેળવેલી સફળતા બાદ તેમણે દિલ્હી અને હરિયાણા જેવા મહત્વપૂર્ણ રાજ્યોમાં પણ પક્ષના પ્રભારી તરીકે કમાન સંભાળી હતી. સંગઠનાત્મક કાર્યોમાં સતત સક્રિય રહેતા દીપક બાબરિયાને ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારથી તેઓ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડી રહ્યા હતા અને લાંબી બીમારી બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા.
દીપક બાબરિયા એક એવા સમર્પિત નેતા હતા જેમણે પોતાનું સમગ્ર જીવન કોંગ્રેસ સંગઠન અને તેના સિદ્ધાંતો માટે ન્યોછાવર કરી દીધું હતું. સંગઠનમાં વિવિધ સ્તરે તેમણે પોતાની ફરજાે અત્યંત નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને સમર્પણભાવથી નિભાવી હતી. મધ્યપ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં પક્ષ માટે આપેલું યોગદાન સંગઠનાત્મક ઇતિહાસમાં અવિસ્મરણીય રહેશે.
તેમની પક્ષ પ્રત્યેની અડગ નિષ્ઠા, વિશાળ અનુભવ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદર્શો પ્રત્યેની આજીવન આસ્થા હંમેશાં યાદ રાખવામાં આવશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો, સ્વજનો તથા કાર્યકરોને આ અસહ્ય દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી ઈશ્વરચરણોમાં પ્રાથના.




