
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
સુરતના એક વરિષ્ઠ યુનિયન આગેવાન અને SMC ના કાયદાઓના જાણકાર એવા ભાઈલાલભાઈ વૈષ્ણવે સુરત મહાનગરપાલિકામાં એક RTI દ્વારા સફાઈ કામદારો ને કોન્ટ્રાક્ટ પદ્ધતિ માં મળતા વેતન અંગેની માહિતી માંગી ત્યારે વાચક મિત્રો તમને નવાઈ લાગશે કે આ મહાનગર પાલિકા ના નફ્ફટ તંત્રે RTI ના જવાબમાં લેખિત જણાવ્યું કે સુરત મ.ન.પા દ્વારા માસિક એક સફાઈ કામદાર દીઠ કોન્ટ્રાક્ટરને રૂપિયા ૧૯,૫૦૦ ચૂકવવામાં આવે છે. અને એજ કોન્ટ્રાક્ટર એના સફાઈ કામદારને માત્ર ને માત્ર રૂપિયા ૯૦૦૦ (ફરીથી લખું છું કે માત્ર ને માત્ર નવ હજાર રૂપિયા) જ માસિક ચૂકવે છે. એટલે શહેર ને સાફ સુથરૂં રાખે એને માત્ર રૂપિયા નવ હજાર અને જે કશું જ ના કરે માત્ર ઓફિસ માં બેસી હવા ખાયા કરે એ કોન્ટ્રાક્ટર બેઠા બેઠા દર મહિને રૂપિયા ૧૦,૫૦૦ નો નફો એક સફાઈ કામદાર
દીઠ મેળવી લાખો રૂપિયામાં રમતા થઈ ગયા છે.
આમ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સરકાર ને ફાયદો એ થાય કે સફાઈ કામદારને કોઈ ધારા ધોરણ મુજબનું ભથ્થું આપવું ના પડે એટલે કે એ સુરત મ.ન.પા નો સફાઈ કામદાર કાયદેસર મ.ન.પાનો નહિ પણ કોન્ટ્રાક્ટર નો માણસ કહેવાય. હવે આ સફાઈ કામદાર કોઈ ઈજા કે ગંભીર ઘટનાનો ભોગ બને તો એની જવાબદારી SMCની સીધી નહિ પણ કોન્ટ્રાક્ટરની બને છે. આમ સરકારને ફાયદા સાથે કોન્ટ્રાક્ટર ને એ ફાયદો થાય છે કે એક સફાઈ કામદાર દીઠ અધધધ રૂપિયા ૧૦,૫૦૦ (દસ હજાર પાંચસો) દર માસે બેઠા જ મળી જાય કશું જ કર્યા વગર.
હવે વિચારો એક કોન્ટ્રાક્ટર ના હાથ નીચે ધારોકે ઓછા માં ઓછા એક હજાર સફાઈ કામદારો હોય તો વિચારો કે દર માસે કેટલા રૂપિયા ની કમાણી કોન્ટ્રાક્ટરને થતી હશે? આમ કોન્ટ્રાક્ટર પદ્ધતિ એટલે માત્ર ને માત્ર દેશમાં બેકારી, મોંઘવારી અને શોષણખોરી ને ઉત્તેજન આપવાનો સરળ સરકારી માર્ગ જ્યાં ગરીબ, મજબૂર અને ગરજવાન એવા યુવાનોની કામના બહાને ભરતી કરાવીને ગધ્ધા વૈતરું કરાવવું પણ પગારમાં શોષણ કરીને એમની (કામદારોની) જિંદગી ને આશા અને અરમાનો માં જ ખતમ કરી નાખવી.
છેલ્લે જે જગ જાહેર છે કે જેને પણ સફાઈ નો કોન્ટ્રાક્ટ મળે છે એણે કોન્ટ્રાક્ટ આપનારા આકા ને મૂળ ટેન્ડર ના ૪૦% એડવાન્સ આપ્યા બાદ જ ટેન્ડર પાસ થાય છે. આ રીતે હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ઇન્ચાર્જ પદ્ધતિ થી જ જ્યાં શાસકો પ્રજા ની સેવા કરવા નીકળ્યા હોય ત્યાં સેવા ની સુવાસ નહિં, "મેવા" ના મેલા ની જ ગંધ આવતી હોય છે.




