
એકાવન શક્તિપીઠની રચના કેવી રીતે થઈ? માતા સતીની પૌરાણિક કથા અને મહિમા ભારતીય સનાતન ધર્મમાં શક્તિપીઠોનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે.આ પવિત્ર સ્થાનો આદ્યશક્તિ જગદંબાની ઉપાસનાનાં કેન્દ્રો છે.પૌરાણિક માન્યતા અનુસાર દેવી સતીના દેહના વિવિધ અંગો જ્યાં જ્યાં પડ્યાં હતાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ.પરંપરાગત રીતે એકાવન શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવે છે, જોકે વિવિધ ગ્રંથો અને પરંપરાઓમાં તેમની સંખ્યા-નામ અને સ્થાનો અંગે મતભેદ જોવા મળે છે.
માતા સતી અને પ્રજાપતિ દક્ષની કથા..
પૌરાણિક કથા અનુસાર આદ્યશક્તિ જગદંબાએ પ્રજાપતિ દક્ષના ઘરે સતીના રૂપમાં જન્મ લીધો હતો, તેમનાં લગ્ન ભગવાન શિવ સાથે થયાં હતાં. પ્રજાપતિ દક્ષને પોતાની સત્તા અને પ્રતિષ્ઠાનું અભિમાન હતું. એકવાર બ્રહ્માજીની સભામાં ભગવાન શિવ પોતાના ધ્યાનમાં મગ્ન હોવાથી દક્ષના આગમન વખતે ઊભા ન થયા.આ ઘટનાને દક્ષે પોતાના અપમાન તરીકે લીધી અને ભગવાન શિવ પ્રત્યે દ્વેષ રાખવા લાગ્યા. એકવાર દક્ષે વિશાળ યજ્ઞનું આયોજન કર્યું, તેમાં અનેક દેવતાઓ-ઋષિઓ અને મુનિઓને આમંત્રણ આપ્યું પરંતુ ભગવાન શિવ અને માતા સતીને આમંત્રિત કર્યાં નહીં. જ્યારે માતા સતીને આ વાતની જાણ થઈ ત્યારે તેમને પિતાના ઘરે જઈને પરિવારજનોને મળવાની ઇચ્છા થઈ.ભગવાન શિવે તેમને સમજાવ્યું કે જ્યાં આમંત્રણ ન હોય અને અપમાન થવાની સંભાવના હોય ત્યાં જવું યોગ્ય નથી છતાં માતા સતી પિતાના યજ્ઞમાં જવા માટે આગ્રહ રાખતાં ભગવાન શિવે તેમને જવાની પરવાનગી આપી.
દક્ષયજ્ઞમાં માતા સતીનું બલિદાન..
માતા સતી પિતાના ઘરે પહોંચ્યાં પરંતુ દક્ષના ભયને કારણે મોટાભાગના લોકોએ તેમનું સ્વાગત કર્યું નહીં. માતા અને બહેનોએ તેમને સ્નેહ આપ્યો પરંતુ યજ્ઞમાં ભગવાન શિવનો ભાગ રાખવામાં આવ્યો નહોતો. પ્રજાપતિ દક્ષે ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્દો કહ્યા.પોતાના આરાધ્ય પતિનું અપમાન માતા સતી સહન કરી શક્યાં નહીં, તેમને અત્યંત દુઃખ થયું કે ભગવાન શિવની સલાહ અવગણીને તેઓ અહીં આવ્યાં હતાં.પૌરાણિક કથા મુજબ તેમણે યોગાગ્નિ દ્વારા પોતાના દેહનો ત્યાગ કર્યો. આ સમાચાર ભગવાન શિવ સુધી પહોંચતાં તેઓ શોક અને ક્રોધથી વ્યાકુળ થઈ ગયા, તેમણે વીરભદ્રને મોકલ્યા, જેમણે દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો, ત્યારબાદ ભગવાન શિવે સતીના દેહને પોતાના ખભા પર ધારણ કર્યો અને ગાઢ શોકમાં પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા, તેમના તાંડવથી સમગ્ર સૃષ્ટિમાં વિનાશની સ્થિતિ સર્જાવાનો ભય ઊભો થયો.
એકાવન શક્તિપીઠોની રચના..
સૃષ્ટિનું સંતુલન જાળવવા અને વિનાશને રોકવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનચક્રથી માતા સતીના દેહના અનેક ભાગ કર્યા.પૌરાણિક માન્યતા અનુસાર માતાના દેહના અંગો અને આભૂષણો જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠો પ્રગટ થયાં.આ સ્થાનોમાં દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા થવા લાગી. દરેક શક્તિપીઠ સાથે એક દેવીશક્તિ અને એક ભૈરવ સ્વરૂપ જોડાયેલું માનવામાં આવે છે. હિંગળાજ શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત છે જે કરાંચીથી ૧૨૫ કિમી દૂર છે.જ્યાં માતાનું બ્રહ્મરંધ્ર (માથાના ઉપરનો ભાગ) પડ્યું હતું.અહીંની શક્તિ કોટ્ટારી અને ભૈરવ ભીમલોચન છે. શર્કરે શક્તિપીઠ પાકિસ્તાનમાં સુક્કર સ્ટેશન પાસે છે.કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ શક્તિપીઠનું મૂળ સ્થળ નૈનાદેવી મંદિર બિલાસપુર,હિમાચલપ્રદેશમાં આવેલું છે.જ્યાં દૈવી શક્તિની જમણી આંખ પડી હતી.અહીની શક્તિ મહિષમર્દિની અને ક્રોધિત ભૈરવ છે. સુગંધ શક્તિપીઠ..બાંગ્લાદેશના શિકારપુરના બારીસાલથી વીસ કિમી દૂર સુગંધા નદીના કાંઠે ઉગરાતારામાં આવેલ છે જ્યાં માતાજીનું નાક પડ્યુ હતું.અહીંની દેવી સુનંદા અને ભૈરવ ત્ર્યંબક છે. મહામાયા શક્તિપીઠ જમ્મુ-કાશ્મીરના અમરનાથમાં સ્થિત છે જ્યાં માતાના ગળાનો ભાગ પડ્યો હતો. અહીંની શક્તિ મહામાયા અને ભૈરવ ત્રિસંધ્યેશ્વર છે.
જ્વાલામુખી શક્તિપીઠ હિમાચલ પ્રદેશના કાંગરામાં સ્થિત છે જ્યાં સતીની જીભ પડી હતી.અહીંની શક્તિ સિદ્ધિદા છે અને ઉન્મત્ત ભૈરવ વિરાજમાન છે. ત્રિપુરમાલિની શક્તિપીઠ પંજાબના જાલંધરમાં કેંટ સ્ટેશન પાસે દેવી તળાવના કિનારે સ્થિત છે.જ્યાં માતાનું ડાબુ સ્તન પડ્યું હતું.અહીંની શક્તિ ત્રિપુરામાલિની અને ભૈરવ ભિષણ છે. અંબાજી શક્તિપીઠ..ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની અરવલ્લીની ગિરીમાળામાં ગબ્બર પર્વતના આરાસુર શિખરની ટોચે દેવી અંબિકાનું ભવ્ય વિશાળ મંદિર છે જ્યાં માતાનું હ્રદય પડ્યું હતું.અહીંની શક્તિ ચંદ્રભાગા અને ભૈરવ વક્રતુંડ છે. ગુહ્યેશ્વરી શક્તિપીઠ કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરની પાસે સ્થિત છે જ્યાં સતીના બંને ઘૂંટણ પડ્યા હતા.અહીંની શક્તિ ‘મહાશિરા’ છે અને ભૈરવ ‘કપાલી’ છે. મનસા-દાક્ષાયની શક્તિપીઠ તિબ્બતમાં કૈલાશ પર્વત,માનસરોવર પાસે સ્થિત છે જ્યાં માતાનો જમણો હાથ પડ્યો હતો.અહીંની શક્તિ દાક્ષાયની અને અમર ભૈરવ ચંદ્રશેખર છે.
વિરજાદેવી શક્તિપીઠ..ઓરિસ્સાના ઉત્કલમાં હોવાનું માનવામાં આવે છે જ્યાં માતાની નાભિ પડી હતી.અહીંની શક્તિ વિમલા અને ભૈરવ જગન્નાથ પુરૂષોત્તમ છે.
બહુલા શક્તિપીઠ..પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લામાં અજય નદીના કિનારે કટવા જંકશન નજીક કેતુગ્રામમાં સ્થિત છે જ્યાં માતાજીનો ડાબો હાથ પડ્યો હતો.અહીંની શક્તિ બહુલા છે અને ભૈરવ ભિરૂક છે. ગંડકી શક્તિપીઠ નેપાળના પોખરામાં ગંડકી નદીના કિનારે સ્થિત છે જ્યાં સતીનો જમણો ગાલ પડ્યો હતો. અહીં શક્તિ ‘ગંડકી ચંડી’ છે અને ભૈરવ ‘ચક્રપાણી’ છે. ઉજ્જયિની હરસિદ્ધિ શક્તિપીઠ મધ્યપ્રદેશમાં ઉજ્જૈનના પવિત્ર ક્ષિપ્રા નદીના કાંઠે સ્થિત છે જ્યાં માતાજીની કોણી પડી હતી.અહીંની શક્તિ મંગલ ચંડિકા અને ભૈરવ મંગલ્યા કપિલામ્બર છે. ત્રિપુરા સુંદરી શક્તિપીઠ..ત્રિપુરાના રાધા-કિશોર ગામમાં સ્થિત છે જ્યાં માતાનો જમણો પગ પડ્યો હતો.અહીંની શક્તિ ત્રિપુરા સુંદરી અને ભૈરવ ત્રિપુરેશ છે.
ભ્રામરી શક્તિપીઠ..પશ્ચિમ બંગાળના જલપાઇગુરીના શાલબારી ગામમાં તિસ્તા નદી ઉપર સ્થિત છે જ્યાં માતાજીનો ડાબો પગ પડ્યો હતો.અહીંની શક્તિ ભ્રામરી અને ભૈરવ અંબર છે. કિરીટ શક્તિપીઠ..પશ્ચિમ બંગાળમાં હુબલી નદીના કિનારે લાલબાગ ખાતે સ્થિત છે.અહીં સતી માતાનો મુગટ પડ્યો હતો.અહીંની શક્તિ વિમલા અથવા ભુવનેશ્વરી અને ભૈરવ સંવર્ત છે.શક્તિ એટલે માતાનું રૂપ જેનું પૂજન કરવામાં આવે છે અને ભૈરવ એટલે કે શિવનો અવતાર જે માતાના આ સ્વરૂપ સાથે હોય છે. કાત્યાયની શક્તિપીઠ..વૃંદાવન મથુરાના ભૂતેશ્વરમાં સ્થિત છે જ્યાં સતીના વાળ પડ્યા હતા.અહીંની શક્તિ દેવી કાત્યાયની છે અને ભૈરવ ભૂતેશ છે. કરવીર શક્તિપીઠ..આ શક્તિપીઠ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત છે જ્યાં માતાનું ત્રિનેત્ર પડ્યું હતું. અહીંની શક્તિ મહિષાસુરમર્દિની અને ભૈરવ ક્રોધાશિષ છે.તેને મહાલક્ષ્મીનું વ્યક્તિગત નિવાસસ્થાન માનવામાં આવે છે.
શ્રી પર્વત શક્તિપીઠ..આ શક્તિપીઠને લઇને વિદ્વાનોમાં મતભેદો છે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ પીઠનું મૂળ સ્થળ લદ્દાખમાં છે જ્યારે કેટલાક માને છે કે તે આસામના સિલ્હેટમાં છે જ્યાં માતા સતીની કાનની બુટ્ટી પડી હતી.અહીંની શક્તિ શ્રીસુંદરી અને ભૈરવ સુંદરનંદ છે. વિશાલાક્ષી શક્તિપીઠ..આ શક્તિપીઠ ઉત્તર પ્રદેશના વારાણસીના મીરઘાટ પર સ્થિત છે જ્યાં માતા સતીના જમણા કાનનો મણિ પડ્યો હતો.અહીંની શક્તિ વિશાલક્ષી અને ભૈરવ કાળ ભૈરવ છે. ગોદાવરી શક્તિપીઠ..આંધ્રપ્રદેશના કબ્બરમાં ગોદાવરી કાંઠે સ્થિત છે જ્યાં માતાનો ડાબો ગાલ પડ્યો હતો.અહીંની શક્તિ વિશ્વેશ્વરી કે રૂકમણી અને ભૈરવ દંડપાની છે. સુચિન્દ્રમ શક્તિપીઠ..તમિલનાડુના કન્યાકુમારીના ત્રિસાગર સંગમ સ્થળે સ્થિત છે જ્યાં સતીનાં ઉપરના દાંત પડ્યા હતા.અહીંની શક્તિ નારાયણી અને ભૈરવ સનહર કે સંકુર છે. પંચસાગર શક્તિપીઠનું કોઈ નિશ્ચિત સ્થાન જાણી શકાયું નથી પરંતુ અહીં માતાના નીચેનાં દાંત પડ્યા હતા.અહીંની શક્તિ વારાહી અને ભૈરવ મહુદ્ર છે.
ભૈરવપર્વત શક્તિપીઠને લઈને વિદ્વાનોમાં મતભેદ છે.કેટલાક લોકો ગુજરાતના ગિરનાર નજીકના ભૈરવ પર્વતને તો કેટલાક લોકો મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક ક્ષિપ્રા નદીના કાંઠે વાસ્તવિક શક્તિપીઠ માને છે જ્યાં માતાનો ઉપરનો હોઠ પડ્યો હતો.અહીંની શક્તિ અવંતિ અને ભૈરવ લંબકર્ણ છે. અટ્ટહાસ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના લાભપુરમાં સ્થિત છે જ્યાં માતાનો નીચેનો હોઠ પડ્યો હોવાનું
માનવામાં આવે છે.અહીંની શક્તિ પૂર્ણ છે અને ભૈરવ વિશ્વેશ છે. જનસ્થાન શક્તિપીઠ પંચવટી મહારાષ્ટ્ર નાસિકમાં સ્થિત છે જ્યાં માતાજીની દાઢીનો ભાગ પડ્યો હતો. અહીંની શક્તિ ભ્રામરી અને ભૈરવ વિકૃતક્ષા છે. નંદીપુર શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સૈન્થયામાં સ્થિત છે જ્યાં દેવીના શરીરના ગળાનો હાર પડ્યો હતો.અહીંની શક્તિ નંદિની અને ભૈરવ નંદકેશ્વર છે. શ્રી શૈલ શક્તિપીઠ આંધ્રપ્રદેશના કુર્નૂલ નજીક છે જ્યાં માતાજીની ગરદન પડી હતી.અહીંની શક્તિ મહાલક્ષ્મી અને ભૈરવ ઇશ્વરાનંદ છે. નલહટી શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બોલપુરમાં છે જ્યાં માતાની ઉદર-નળી પડી હતી.અહીંની શક્તિ કાલિકા અને ભૈરવ યોગિશ છે.
મિથિલા શક્તિપીઠનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે.આ સ્થાનને લઈને મત મતમતાંતર છે.મિથિલા શક્તિપીઠ નેપાળમાં જનકપુર, બિહારના સમસ્તીપુર અને સહરષામાં માનવામાં આવે છે જ્યાં માતાની ડાબો ખભો પડ્યો હતો.અહીંની શક્તિ ઉમા અથવા મહાદેવી અને ભૈરવ મહોદર છે. રત્નાવલી શક્તિપીઠનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે.તે ચેન્નઈ તમિલનાડુ રત્નાવલી શક્તિપીઠમાં ક્યાંક સ્થિત છે જ્યાં માતાનો જમણો ખભો પડ્યો હતો.અહીંની શક્તિ કુમારી અને ભૈરવ શિવ છે. રામાગિરિ શક્તિપીઠની સ્થિતિ અંગે વિદ્વાનોમાં મતભેદ છે.કેટલાક ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં માને છે તો કેટલાક મધ્યપ્રદેશના મૈહારમાં માને છે જ્યાં માતાજીનું જમણું સ્તન પડ્યુ હતું.અહીંની શક્તિ શિવાની અને ભૈરવ ચંદ્ર છે. વૈદ્યનાથ શક્તિપીઠ ઝારખંડના દેવઘરના ગિરિડીહમાં સ્થિત છે જ્યાં માતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અહીંની શક્તિ જયદુર્ગા અને ભૈરવ વૈદ્યનાથ છે. વરકેશ્વર શક્તિપીઠ..આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સૈન્થ્યામાં સ્થિત છે જ્યાં માતાનું મન પડ્યું હતું અહીંની શક્તિ મહિષાસુરમર્દિની અને ભૈરવ વક્રનાથ છે.કન્યાકુમારી શક્તિપીઠ..તામિલનાડુના કન્યાકુમારીમાં હિંદ મહાસાગર,અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના સંગમ પર સ્થિત છે જ્યાં માતાજીની પીઠ પડી હતી.અહીં શક્તિ શર્વાની કે નારાયણી અને ભૈરવ નિમિષિ અથવા સ્થાણું છે.
મણિવેદિકા શક્તિપીઠ..રાજસ્થાનના પુષ્કરમાં આવેલી છે જેને ગાયત્રી મંદિર તરીકે ઓળખવામાં આવે છે ત્યાં માતાજીના હાથના કાંડા પડ્યા હતા.અહીંની શક્તિ ગાયત્રી અને ભૈરવ શેરવાનંદ છે. પ્રયાગ શક્તિપીઠ..ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં સ્થિત છે.માતાજીના હાથની આંગળીઓ અહીં પડી હતી.શક્તિપીઠની શક્તિ લલિતા છે અને ભૈરવ ભાવ છે. કાંચી શક્તિપીઠ..તમિલનાડુના કાંચિવરમમાં સ્થિત છે જ્યાં માતાનું હાડપિંજર પડ્યું હતું.અહીંની શક્તિ દેવગ્રહ અને ભૈરવ રૂરૂ છે. કાલમાધવ શક્તિપીઠ વિશે કોઈ નિશ્ચિત સ્થાન જાણી શકાયું નથી પરંતુ માતાનો ડાબો નિતંબ અહીં પડ્યો હતો.અહીંની શક્તિ કાલી અને ભૈરવ અસિતંગા છે. શોણ શક્તિપીઠ. .મધ્યપ્રદેશના અમરકંટકમાં સ્થિત છે.માતાનો જમણો નિતંબ અહીં પડ્યો હતો. બીજી માન્યતા એવી છે કે બિહારના સાસારામનું તારાચંડી મંદિર શોણા-તટસ્થા શક્તિપીઠ છે એવું માનવામાં આવે છે કે સતીનું જમણું નેત્ર અહીં પડ્યું હતું.અહીંની શક્તિ નર્મદા અથવા શોનાક્ષી અને ભૈરવ ભદ્રસેન છે.
કામખ્યા શક્તિપીઠ..આસામના ગુહાહાટીના કામગીરી પર્વત પર સ્થિત છે જ્યાં માતાજીની યોનિ પડી હતી.અહીંની શક્તિ કામખ્યા દેવી અને ભૈરવ ઉમાનંદ છે. જયંતિ શક્તિપીઠ..મેઘાલયના જૈંટીયા ટેકરી પર સ્થિત છે જ્યાં માતાજીની ડાબી જાંઘ પડી હતી.
અહીંની શક્તિ જયંતિ અને ભૈરવ ક્રમાદિશ્વર છે. મગધ શક્તિપીઠ..બિહારની રાજધાની પટનામાં પટનેશ્વરી શક્તિપીઠ માનવામાં આવે છે જ્યાં માતાની જમણી જાંઘ પડી હતી.અહીંની શક્તિ સર્વાનંદકરી અને ભૈરવ વ્યોમકેશ છે. વિભાષા શક્તિપીઠ..પશ્ચિમ બંગાળના મિદનાપુરના તમરૂલક ગામમાં સ્થિત છે જ્યાં માતાની ડાબા પગની ઘૂંટી પડી હતી.અહીંની શક્તિ કપાલિની,ભીમરૂપા અને ભૈરવ સર્વાનંદ છે. કુરુક્ષેત્ર શક્તિપીઠ..જેને શ્રીદેવિકૂપ ભદ્રકાળી પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હરિયાણામાં કુરુક્ષેત્ર જંકશન નજીક દ્વિપાયન સરોવર નજીક આવેલું છે.માતાનો જમણો પગ અહીં પડ્યો હતો.અહીં શક્તિ સાવિત્રી અને ભૈરવ સ્તમ્ છે.
યુગદ્યા શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બર્દમાન જિલ્લામાં ક્ષીરગ્રામમાં સ્થિત છે જ્યાં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો.અહીંની શક્તિ જુગદય અને ભૈરવ ક્ષીર ખંડક છે. વિરાટ શક્તિપીઠ રાજસ્થાનની પિંક સિટી જયપુરના વૈરાટગ્રામમાં સ્થિત છે જ્યાં સતીની જમણા પગની આંગળીઓ પડી હતી.અહીંની શક્તિ અંબિકા અને ભૈરવ અમૃત છે. કાલીકા શક્તિપીઠ..કોલકાતાના કાલિઘાટમાં કાલીમંદિર તરીકે જાણીતું છે જ્યાં માતાના જમણા અંગૂઠા સિવાયની ચાર આંગળીઓ પડી હતી.અહીંની શક્તિ કાલિકા અને ભૈરવ નકુલેશ છે. માનસ શક્તિપીઠ તિબેટના માનસરોવર કાંઠે સ્થિત છે જ્યાં માતાની જમણી હથેળી પડી હતી.અહીં શક્તિ દક્ષાયની છે અને ભૈરવ અમર છે.
લંકા શક્તિપીઠ શ્રીલંકામાં સ્થિત છે જ્યાં માતાની પાયલ પડી હતી.અહીંની શક્તિ ઇન્દ્રક્ષી અને ભૈરવ રક્ષિતેશ્વર છે.જોકે તે જાણી શકાયું નથી કે શ્રીલંકામાં કયા સ્થળે પડ્યું હતું. કરતોયાઘાટ શક્તિપીઠ..બાંગ્લાદેશના ભવાનીપુરમાં કાર્ટૂયા નદીના કાંઠે સ્થિત છે જ્યાં માતાની ડાબી આંખ પડી હતી.અહીં દેવી અપર્ણા અને ભૈરવ શિવ-વામન રહે છે. યશોરેશ્વરી શક્તિપીઠ બાંગ્લાદેશના જેસોરના ખુલનામાં સ્થિત છે જ્યાં માતાની ડાબી હથેળી પડી હતી.અહીં શક્તિ યશોરેશ્વરી અને ભૈરવચંદ્ર છે.મહાકાળી શક્તિપીઠ પાવાગઢના ડુંગર ઉપર સ્થિત છે જ્યાં માતાજીની જમણા પગની આંગળી પડી હતી.
શક્તિપીઠોનું આધ્યાત્મિક મહત્વ..
શક્તિપીઠોની કથા માત્ર પૌરાણિક ઘટના સુધી મર્યાદિત નથી,તે આપણને અનેક આધ્યાત્મિક સંદેશ આપે છે.પ્રજાપતિ દક્ષનો અહંકાર સમજાવે છે કે સત્તા-સંપત્તિ અને પ્રતિષ્ઠા મળવાથી કોઈ વ્યક્તિ મહાન બની જતી નથી.સાચી મહાનતા વિનમ્રતા-સદાચાર અને બીજાના સન્માનમાં રહેલી છે.
માતા સતીની કથા શ્રદ્ધા-સમર્પણ અને આત્મસન્માનનું મહત્વ દર્શાવે છે.ભગવાન શિવ અને માતા શક્તિનું જોડાણ ચેતના અને ઊર્જાના અવિભાજ્ય સંબંધનું પ્રતીક છે.શક્તિ વિના શિવનું સ્વરૂપ અધૂરૂં અને ચેતના વિના શક્તિની અભિવ્યક્તિ અધૂરી માનવામાં આવે છે.શક્તિપીઠોની યાત્રા શ્રદ્ધાળુઓને ભક્તિ, આત્મચિંતન,સંયમ અને માનવકલ્યાણની પ્રેરણા આપે છે.દેવીની સાચી ઉપાસના માત્ર પૂજા કે દર્શન પૂરતી સીમિત ન રહે પરંતુ જીવનમાં દયા, કરૂણા, સત્ય, સેવા અને પરોપકાર જેવા ગુણોનો વિકાસ કરે
ત્યારે જ તેની આધ્યાત્મિક સાર્થકતા પ્રાપ્ત થાય છે.
એકાવન શક્તિપીઠોની પૌરાણિક કથા માતા જગદંબાની દિવ્ય શક્તિ અને ભગવાન શિવ સાથેના તેમના શાશ્વત સંબંધનું સ્મરણ કરાવે છે.આ પવિત્ર સ્થાનો ભારતની સમૃદ્ધ ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનાં પ્રતીકો છે.અલગ અલગ પ્રદેશો-ભાષાઓ અને પરંપરાઓ હોવા છતાં ભક્તોને જોડતી શક્તિ એક જ છે-આદ્યશક્તિ જગદંબા.
સંકલનઃ
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા,જી.પંચમહાલ
sumi7875@gmail.com




