
દિલ્હી-યુપીમાં ઘટવા લાગ્યું તાપમાન દેશના ૯ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ તમિલનાડુ અને લક્ષદ્વીપમાં મેઘા મંડાણ તમિલનાડુના દરિયાકાંઠા નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ‘લો પ્રેશર એરિયા’ સક્રિય થયો : હવામાન વિભાગ દેશના હવામાનમાં મોટો પલટો જાેવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, આગામી ૬ કલાકથી લઈને ૨૬-૨૭ ઓક્ટોબર સુધી દેશના ૯ જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન પ્રણાલીને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. બીજી તરફ, ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં સવાર અને સાંજની ઠંડક સાથે શિયાળાની આગમનની શરૂઆત થઈ ચૂકી છે.દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ અને માછીમારોને ચેતવણીહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તમિલનાડુના દરિયાકાંઠા નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ‘લો પ્રેશર એરિયા’ સક્રિય થયો છે. તેની વ્યાપક અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૨૫ ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ક્યારેક વધીને ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.આ ઉપરાંત કેરળમાં પણ ૨૨ ઓક્ટોબર પછી આગામી દિવસોમાં (ખાસ કરીને ૨૩ અને ૨૬-૨૭ ઓક્ટોબરે) ધોધમાર વરસાદ વરસી શકે છે. લક્ષદ્વીપમાં ૨૨ અને ૨૫ ઓક્ટોબરે વરસાદની શક્યતા છે, જ્યારે ૨૩-૨૪ ઓક્ટોબરે અતિભારે વરસાદ પડી શકે છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદી માહોલ રહેશે; જેમાં દક્ષિણ આંતરિક કર્ણાટક અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ૨૨ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. દરિયાઈ સ્થિતિ પ્રતિકૂળ હોવાથી માછીમારોને કેરળ અને લક્ષદ્વીપ કિનારે ૨૬ ઓક્ટોબર સુધી તેમજ કર્ણાટક કિનારે ૨૩ થી ૨૬ ઓક્ટોબર દરમિયાન દરિયામાં ન જવા સૂચના અપાઈ છે.




