
ટ્રાન્સફરમાં ૫ કલાકનો વિલંબ દર્દીને એમ્બ્યુલન્સ અને ડૉક્ટર ન આપતાં હોસ્પિટલને રૂ.૧૫ લાખનો દંડ દર્દીની સારવારમાં બેદરકારી અને સમયસર તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેવું દિલ્હીની હોસ્પિટલને ભારે પડ્યું
દર્દીની સારવારમાં બેદરકારી અને સમયસર તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેવું દિલ્હીની એક જાણીતી હોસ્પિટલને ભારે પડ્યું છે. દિલ્હી રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચે લાજપત નગર સ્થિત મેટ્રો હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને રૂ.૧૫ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ફરિયાદી પક્ષને રૂ.૫૦ હજારનો કાનૂની ખર્ચ પણ ચૂકવવો પડશે.
મળતી માહિતી મુજબ, દર્દીને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જાેકે, મેટ્રો હોસ્પિટલ દ્વારા જીવનરક્ષક સુવિધાઓ ધરાવતી એમ્બ્યુલન્સ અને સાથે જવા માટે ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પરિણામે દર્દીને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં અંદાજે પાંચ કલાકનો વિલંબ થયો હતો.
આ સમગ્ર મામલો સુરેશ કુમાર અને તેમની પત્ની શકુંતલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાથે જાેડાયેલો છે. સુરેશ કુમારે વર્ષ ૨૦૦૮માં દિલ્હીની છૈંૈંસ્જી હોસ્પિટલમાં હૃદયના બંને વાલ્વ બદલાવવાની સર્જરી કરાવી હતી. ત્યારબાદ ૧૩ નવેમ્બર, ૨૦૧૩ના રોજ શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થતાં તેમને મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ૧૫ નવેમ્બરના રોજ તેમને સ્ટ્રોક આવ્યો હતો. જેના કારણે તેમણે બોલવાની ક્ષમતા ગુમાવી દીધી હતી અને યાદશક્તિ પર પણ ગંભીર અસર થઈ હતી.
ફરિયાદની સુનાવણી દરમિયાન ગ્રાહક પંચે જી.બી. પંત હોસ્પિટલના મેડિકલ બોર્ડ, દિલ્હી મેડિકલ કાઉન્સિલ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિષ્ણાત અભિપ્રાય મેળવ્યા હતા. ઉપલબ્ધ પુરાવા અને અહેવાલોના આધારે તબીબી બેદરકારી તથા જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેવા બદલ હોસ્પિટલને જવાબદાર ઠેરવવામાં આવી હતી.
દિલ્હી રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચે હોસ્પિટલને રૂ.૧૫ લાખનું વળતર અને રૂ.૫૦ હજારનો કાનૂની ખર્ચ ચૂકવવા આદેશ કર્યો છે. આ રકમ ૬ જાન્યુઆરી, ૨૦૨૭ સુધીમાં ચૂકવવાની રહેશે. જાે હોસ્પિટલ નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી નહીં કરે તો ડિસેમ્બર ૨૦૧૫માં ફરિયાદ દાખલ થઈ ત્યારથી વળતરની રકમ પર વાર્ષિક ૯ ટકા વ્યાજ પણ ચૂકવવું પડશે. આ ચુકાદો ગંભીર દર્દીઓની સારવાર અને સમયસર તબીબી સુવિધાઓ પૂરી પાડવાની હોસ્પિટલની જવાબદારી પર ભાર મૂકે છે.




