
વીડિયો વાયરલ થયો દશેરા મંચ પર જીભ લપસતાં વિવાદમાં ફસાયેલા રણબીર કપૂરે ચેન્નઈમાં જાહેરમાં માંગી માફી ‘જીત’ને બદલે ‘અંત’ બોલાઈ જવાની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અભિનેતાએ ભુલ સ્વીકારી અભિનેતા રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ને લઈને સતત ચર્ચાના કેન્દ્રમાં બન્યો છે. જાેકે, ફિલ્મ પ્રમોશનના ભાગરૂપે કોલકાતા ખાતે આયોજિત દશેરાના એક સાર્વજનિક કાર્યક્રમમાં આપેલા પોતાના નિવેદનને કારણે તે વિવાદની ઝપેટમાં આવી ગયો હતો. સત્યના વિજયનો પ્રેરણાદાયી સંદેશ આપવા જતી વેળાએ રણબીરથી એક વિવાદાસ્પદ બોલ નીકળી ગયો હતો, જેને પગલે સોશિયલ મીડિયા પર તેની ભારે આલોચના થઈ હતી અને તેને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે હવે અભિનેતાએ ચેન્નઈમાં યોજાયેલા ફિલ્મના અન્ય એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન પોતાની ભુલ સ્વીકારીને જાહેરમાં માફી માગી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રણબીર કપૂર કોલકાતાના દશેરા ઉત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે દશેરા પર્વના આધ્યાત્મિક મહત્ત્વ અને અસત્ય પર સત્યના વિજયના શાશ્વત સંદેશ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન રણબીર એવું સ્થાપિત કરવા માંગતા હતા કે, “અધર્મ ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, પરંતુ અંતિમ વિજય હંમેશાં સત્ય અને સદ્દગુણોનો જ થાય છે.” પરંતુ, ઉતાવળમાં બોલતી વખતે ‘જીત’ શબ્દના સ્થાને તેમના મુખમાંથી ‘અંત’ શબ્દ સરકી ગયો હતો. પરિણામે, તેમના આ વિધાનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો અને આ ક્ષતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ ક્ષતિને કારણે રણબીરને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર આકરી ટીકાઓનો ભોગ બનવું પડ્યું હતું. ખાસ કરીને, આગામી ફિલ્મમાં તેઓ ભગવાન શ્રીરામનું પવિત્ર પાત્ર ભજવી રહ્યા હોવાના કારણે સોશિયલ મીડિયા યુઝર્સે આ નિવેદનને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી અને જાેક્સ તથા મીમ્સ પણ બનાવ્યા હતા. વિજયાશદમી જેવા પર્વની ગરિમાને દર્શાવતી વેળાએ થયેલી આ જીભ લસકવાની ઘટના ચારેય તરફ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હતી. જાેકે, વિપરીત પરિસ્થિતિ વચ્ચે કેટલાક ચાહકોએ અભિનેતાની આ ચૂકને સામાન્ય ગણાવીને તેમનો બચાવ પણ કર્યો હતો. જ્યારે વિવાદ વધુ વકર્યો, ત્યારે ચેન્નઈ ખાતે આયોજિત ફિલ્મની મ્યુઝિકલ ઇવેન્ટ અને ઓડિયો લોન્ચ દરમિયાન રણબીરે આ વિવાદાસ્પદ મુદ્દે સ્પષ્ટતા કરવાનું યોગ્ય માન્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, “હું ગઇકાલે દશેરા ઉત્સવ દરમિયાન બનેલી ઘટના બદલ નિખાલસતાથી ક્ષમા માંગવા માંગુ છું. તે વખતે મારી જીભ લપસી ગઈ હતી. વાસ્તવમાં મારે એવું કહેવું હતું કે બુરાઈ ગમે તેટલી તાકાતવર કેમ ન હોય, પરંતુ આખરી જીત હંમેશાં સત્ય અને સારાઈની જ થાય છે.” આ પ્રકારે તેમણે પોતાના મંતવ્યનો સાચો આશય સમજાવીને થયેલી ભુલ બદલ દિલથી ખેદ વ્યક્ત કર્યો હતો. ક્ષમાયાચના કરતી વેળાએ રણબીરે પોતાની જ લોકપ્રિય ફિલ્મ ‘રોકસ્ટાર’ના એક ગીતની કડીને યાદ કરી હતી. પ્રસિદ્ધ સંગીતકાર એ.આર. રહેમાન સાથેના પોતાના જૂના કામને વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, ‘જાે ભી મૈં કહેના ચાહું, બરબાદ કરે અલ્ફાઝ મેરે.’ આ શેરના માધ્યમથી તેમણે પોતાની સ્થિતિને હળવાશથી રજૂ કરી હતી અને પુન: એકવાર સૌની ક્ષમા માંગી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેમની બાજુમાં જ આસીન રહેલી અભિનેત્રી સાઈ પલ્લવીએ પણ સહજ પ્રતિક્રિયા આપી હતી. રણબીર દ્વારા જાહેરમાં માફી માંગવાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર અત્યારે વિશેષ ચર્ચાનો વિષય બન્યો છે.




