
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
આજકાલ ભારતભરમાં સાયબર છેતરપિંડીનું નેટવર્ક એટલું વ્યાપક બન્યું છે કે કોણ ક્યારે અને ક્યાં ભોગ બનશે તે આગાહી કરવી અશક્ય છે. આવા કેસોમાં ઝડપથી વધારો એ ગંભીર ચિંતાનો વિષય છે.
અહીં પ્રશ્ન એ છે કે આધુનિક ટેકનોલોજીના આ યુગમાં સાયબર છેતરપિંડી કેમ રોકી શકાતી નથી? લોકો છેતરપિંડીનો ભોગ બને છે. તેમના જીવનભરની બચત ગુમાવે છે. એમાંય “ડિજિટલ ધરપકડ” જેવા કિસ્સાઓમાં પીડિતોને માનસિક ત્રાસ પણ ભોગવવો પડે છે.
આવા ગુન્હાઓને રોકવાના પ્રયાસમાં કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયના વિશેષ સચિવની અધ્યક્ષતામાં એક આંતર-મંત્રી સમિતિની રચના કરી છે. આ સમિતિએ એમ પણ કહ્યું છે કે સીબીઆઈ હવે “ડિજિટલ ધરપકડ” સંબંધિત તમામ કેસોની તપાસ કરશે. જોકે આ સરકારી પગલું ફકત ત્યારે જ અસરકારક સાબિત થશે જો સાયબર છેતરપિંડી કરનારાઓને ગુનો કરતાં પહેલા પકડવામાં કે રોકવામાં આવે. પરંતુ જે રીતે આપણે ત્યાં ડિજિટલ અરેસ્ટના બનાવો સતત વધી રહ્યા છે અને એમાં ઉચ્ચશિક્ષિત લોકો પણ સપડાઇ રહ્યા છે એ ચિંતા ની બાબત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એક આદેશમાં “ડિજિટલ ધરપકડ” ની વધતી જતી ઘટનાઓ બાબતે ચિંતા વ્યકત કરી હતી. અને કહ્યું હતું કે સરકારે તેની સામે કામ પાર પાડવા માટે કડક પગલાં લેવા જોઈએ. હકીકતમાં દેશમાં ઓનલાઈન વ્યવહારોમાં વધારા સાથે સાયબર છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે. આનું સૌથી મોટું કારણ એ છે કે સામાન્ય નાગરિકો ખાસ કરીને વૃધ્ધો નવી ટેકનોલોજી અને ઓનલાઈન જોખમોથી અજાણ છે. એક નાની ભૂલ થી છેતરપિંડી કરનારાઓ લાખો રૂપિયા પળભરમાં ઉઠાવી શકે છે. દરરોજ સાયબર છેતરપિંડીની નવી પધ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે તે ચિંતાજનક છે.
આવી સ્થિતિમાં ડિજિટલ સાક્ષરતા ધ્વારા વ્યાપક સ્તરે સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. મુદ્દો ફકત આવા કેસોની તપાસ કરવાનો નથી પરંતુ તે બનતા પહેલા તેને અટકાવવાનો પણ છે. જ્યાં સુધી સાયબર ગુનેગારોને પકડવા માટે એક મજબૂત તંત્ર સ્થાપિત ન થાય ત્યાં સુધી આવા કેસોને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનું શક્ય બનશે નહીં. અત્યાર સુધી સરકાર સાયબર સુરક્ષા માટે જે કાર્યવાહી કરી રહી છે એમાં જનતા એટલેકે યુઝર્સ પર જ સઘળો સાવચેતીનો ટોપલો ઢોળી દેવાય છે. હવે આપણે ત્યાં શિક્ષિત લોકો પણ આ સાયબર છેતરપિંડીની આટીમાં ફસાઈ જાય છે. તો પછી જેમની વસતી આપણે ત્યાં ખૂબ મોટી છે એવા અર્ધશિક્ષિત કે અશિક્ષિત લોકોની શી વિસાત??




