
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાત મોડલ એટલે ભણશે ગુજરાત, વાંચશે ગુજરાત પણ ક્યારે ? જ્યારે શિક્ષકો ભણાવશે ત્યારે. આમ રૂપાળા સૂત્રો વચ્ચે ગુણવત્તાસભર શિક્ષણની વાતો કેટલી પોકળ છે એ તો બાળકોને ભણાવતા શિક્ષકોને પૂછો ત્યારે ખબર પડે.
શિક્ષકોનું મૂળકામ જ એ છે કે એકાગ્ર ચિત્તે બાળકોને ભણાવી ગણાવી સમાજ માં બાળકને એક નાગરિક બનાવવો. પરંતુ અહીં તો વાસ્તવિકતા જ કંઈક અલગ જ છે. પ્રાથમિક શાળાઓના આચાર્ય અને શિક્ષકો પર બિન- શૈક્ષણિક કામગીરીનું ભારણ સતત વધી રહ્યું છે. પહેલા કૂતરા પકડવાની કામગીરી શિક્ષકો અને તલાટીઓને સોંપાઈ એમાં સરકારે સુપ્રીમ માં ધોબીપછાડ ખાઈ ને પીછે હટ કરવી પડી હતી. અને કૂતરા કામગીરી બંધ કરાવી હતી. હવે બાકી હતું તે શ્રમયોગી કલ્યાણ બોર્ડની "શ્રમિક અન્નપૂર્ણા યોજના" હેઠળ શરૂ કરાયેલા ભોજન વિતરણકેન્દ્રોનું સંચાલન હવે શિક્ષકોને સોંપાયું છે. આ સરકારી નિર્ણય ને કારણે શિક્ષણ જગત માં છુપો આક્રોશ પેદા થઈ ગયો છે. એક બાજુ બાળકોને ભણાવવા શિક્ષકોની ખોટ છે ત્યારે જે શિક્ષકો છે એમને બિન-શૈક્ષણિક કામના ભારણ નીચે દબાવી દબાવી ને સરકાર કેવી રીતે ગુણવત્તાસભર શિક્ષણ ના દાવા કરી શકે?
આમ શિક્ષકોએ બાળકો ને ભણાવવાની જગ્યાએ પહેલા પણ ચૂંટણીલક્ષી કામગીરી, મતદાર યાદી સુધારણા,જનગણના સહિત સરકારી યોજનાઓના રિપોર્ટિંગ, સર્વેક્ષણ અને બિલ સબમિશનની વહીવટી પ્રક્રિયાની જવાબદારી સંભાળી હતી. પછી કૂતરા પકડવા જેવી કામગીરી અને હવે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની જવાબદારી શિક્ષકોના માથે નંખાતા ગુજરાતના બાળકોના ભવિષ્ય ને બચાવવા માટે આ બિન-શૈક્ષણિક કામ નું ભારણ તાકીદે ઘટાડીને શાળાઓ માં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે એવી શિક્ષણ જગત માં માંગ ઊઠી છે.




