
ફિલ્મને ૧૦૦ કરોડનું ઓપનિંગ મળશે એવી એનાલિસ્ટ્સની આગાહી.‘ધુરંધર : ધ રિવેન્જ’’એ રિલીઝ પહેલાં જ પેઇડ પ્રિવ્યૂમાં ‘સ્ત્રી ૨’ને પાછળ છોડી.ટ્રેડ એનાલિસ્ટ્સ માને છે કે ‘ધુરંધર: ધ રિવેન્જ’ તેની આગળની ફિલ્મ કરતાં મોટી કમાણી કરી શકે છે.રણવીર સિંહની આવનારી એક્શન થ્રિલર ‘ધુરંધર: ધ રિવેન્જ’ રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર મજબુત પ્રદર્શનના સંકેત આપી રહી છે. ફિલ્મના પેઇડ પ્રિવ્યુ માટે થયેલી એડવાન્સ બુકિંગ્સથી બોલિવૂડમાં નવો રેકોર્ડ બન્યો છે. અત્યાર સુધીમાં ફિલ્મે લગભગ ૨ લાખ ટિકિટ વેચી છે અને લગભગ ૯ કરોડની કમાણી નોંધાવી છે.આ ટિકિટમાંથી લગભગ ૧.૪૧ લાખ ટિકિટ તો પીવીઆર અને સિનેપોલિસ જેવી મલ્ટિપ્લેક્સ ચેઇન્સમાં જ વેચાઈ છે, જે કુલ આવકના લગભગ ૮૦ ટકા જેટલું યોગદાન આપે છે. નોંધનીય છે કે આ સિદ્ધિ ફિલ્મનો એકપણ શો ચાલ્યા વગર, માત્ર બે દિવસનાં પ્રી-સેલ્સમાં જ પ્રાપ્ત થઈ છે અને ફિલ્મની રિલીઝ માટે હજુ દસ દિવસનો સમય બાકી છે.આ સાથે ‘ધુરંધર: ધ રિવેન્જ’ હવે બોલિવુડમાં સૌથી વધુ પેઇડ પ્રિવ્યુમાં કમાણી કરનાર ફિલ્મ બની છે, કારણ કે તેણે ‘સ્ત્રી ૨’ના ૮.૭૫ કરોડના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. હવે સૌની નજર ભારતના કુલ પ્રિવ્યુ રેકોર્ડ પર છે, જે હાલમાં ‘ધે કૉલ હિમ ઓજી’ના નામે છે. આ ફિલ્મે પ્રિવ્યુ માટે લગભગ ૨૬ કરોડની કમાણી કરી હતી.
ટ્રેડ એનાલિસ્ટ્સ માને છે કે ‘ધુરંધર: ધ રિવેન્જ’ તેની આગળની ફિલ્મ કરતાં મોટી કમાણી કરી શકે છે. ટિકિટ વેચાણ હવે આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની સંભાવના છે. ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે શરૂઆતમાં વેચાણનો દર થોડો ધીમો પડી શકે, પરંતુ ત્યારબાદ તે સ્થિર રહેશે. ફિલ્મની રિલીઝ સુધીના દસ દિવસમાં પ્રિવ્યુ આવક લગભગ ૨૦ કરોડ નજીક પહોંચી શકે છે, કદાચ તેનાથી વધુ પણ થઈ શકે.ફિલ્મની કુલ પ્રિવ્યુ ક્ષમતા હાલમાં ૫૫ કરોડ નેટથી વધુ માનવામાં આવી રહી છે, જે આગળ જઈને ૬૫ કરોડ નેટથી પણ ઉપર જઈ શકે છે. આવી સ્થિતિમાં ફિલ્મ માટે ૩૦ કરોડથી વધુ નેટ પ્રિવ્યુ કમાણી કરવી શક્ય બની શકે છે.હાલની સ્થિતિમાં ઈદનો તહેવાર ભારતમાં ૨૧ માર્ચે ઉજવાય તેવી શક્યતા છે, જેના કારણે ફિલ્મના ઓપનિંગ ડે પર રાષ્ટ્રીય રજા નહીં હોય પરંતુ મુંબઈ અને દક્ષિણ ભારતના મોટા બજારોમાં ઉગાડી અને ગુડી પાડવાના તહેવારોને કારણે રજા રહેશે. તો કેટલાક શહેરોમાં રાત્રે ૯:૩૦થી ૧૦ વાગ્યે શરૂ થતા બીજા શો માટે ઓક્યુપન્સી પર થોડી અસર પડી શકે છે. જાે બીજા દિવસે રજા હોત, તો ટ્રેડ અનુસાર ૪૦ કરોડનું ઓપનિંગ મળે એવી શક્યતા હતી. છતાં ફિલ્મ માટેના ઉત્સાહને જાેતા આ આંકડાને પણ પાર કરી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં.ફિલ્મની એડવાન્સ બુકિંગ ૭ માર્ચે સવારે ૧૧:૦૧ વાગ્યે ટ્રેલર રિલીઝ પછી શરૂ થઈ હતી. માત્ર ૨૪ કલાકમાં ઓનલાઇન એપ પર ૮૭ હજાર ટિકિટ વેચાઈ ગઈ હતી. ત્યારબાદ ૯ માર્ચની સવારે આ આંકડો પ્લેટફોર્મ પર ૧.૫ લાખથી વધુ અને કુલ મળીન ૨ લાખથી વધુ ટિકિટ સુધી પહોંચી ગયો હતો. ટ્રેડ વેબસાઈટ સેકનિક મુજબ, ફિલ્મના પ્રિવ્યુ શોએ દેશભરમાં ૨.૦૬ લાખ ટિકિટ વેચી છે.આ પ્રિવ્યુ આવકનો મોટો ભાગ હિન્દી વર્ઝનમાંથી આવ્યો છે, પરંતુ તમિલ ડબ્ડ વર્ઝન પણ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે, જેનાથી લગભગ ૧૦ લાખ જેટલી આવક નોંધાઈ છે.રસપ્રદ વાત એ છે કે માત્ર પ્રિવ્યુ માટે થયેલી એડવાન્સ બુકિંગથી જ ‘ધુરંધર ૨’એ કેટલીક ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનને પણ પાછળ મૂકી દીધા છે. જેમાં શાહિદની ‘ઓ રોમિયો’ અને ટાઇગર શ્રોફની ‘બાગી ૪’. ‘ધુરંધર ૨’ના પ્રિવ્યુ માટેની ૧૨.૨૯ કરોડની આવક આ બંને ફિલ્મના ઓપનિંગના આંકડાથી વધુ છે.




