
લૂકની ધુરંધરના સાથે સરખામણી કરાઈ ‘પ્રલય’ના સેટ પરથી રણવીર સિંહનો લૂક લીક દાઢી-લાંબા વાળ સાથે રગ્ડ અવતારમાં પીઠ પર બાળકને બેસાડીને ચાલતો રણવીરસિંહ જાેવા મળ્યો
રણવીર સિંહની આગામી ફિલ્મ ‘પ્રલય’ને લઈને ચાહકોમાં અત્યારથી જ ઉત્સુકતા જાેવા મળી રહી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે ત્યારે સેટ પરથી કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. લીક થયેલા વિઝ્યુઅલ્સમાં રણવીર સિંહનો એકદમ રગ્ડ અને ઈન્ટેન્સ અવતાર જાેવા મળી રહ્યો છે, જેના કારણે કેટલાક ચાહકો તેની સરખામણી ‘ધુરંધર’નાં લૂક સાથે કરી રહ્યા છે.લીક થયેલા એક વીડિયોમાં રણવીર કેટલાક અન્ય કલાકારો સાથે ચાલતો જાેવા મળે છે અને તેની પીઠ પર એક બાળક પણ છે. તસવીરો અને વીડિયોમાં તે દાઢી તથા લાંબા વાળમાં નજરે પડે છે. તેનો આ લૂક સંકેત આપે છે કે ફિલ્મમાં તે શારીરિક રીતે પડકારજનક ભૂમિકા ભજવી રહ્યો હોઈ શકે છે.ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી ‘પ્રલય’ની વાર્તા અને રણવીરના પાત્ર વિશેની વિગતો ગુપ્ત રાખી છે. જાેકે, સેટ પરથી લીક થયેલા વિઝ્યુઅલ્સે ફિલ્મની દુનિયાની ઝલક દર્શકો સમક્ષ મૂકી છે.ફિલ્મનું દિગ્દર્શન ફિલ્મમેકર હંસલ મહેતાના પુત્ર જય મહેતા કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ફિલ્મની વાર્તા મુંબઈની પૃષ્ઠભૂમિમાં આકાર લેતી એક સર્વાઇવલ સ્ટોરી છે. દુનિયાના અંત જેવી સ્થિતિ ઊભી થાય છે અને તેની વચ્ચે પાત્રો જીવન બચાવવા માટે સંઘર્ષ કરે છે.રણવીર સિંહ ફિલ્મના નિર્માતાઓમાં પણ સામેલ છે. બિરલા સ્ટુડિયોઝ, ટ્રુ સ્ટોરી ફિલ્મ્સ અને મા કસમ ફિલ્મ્સના સંયુક્ત નિર્માણ હેઠળ આ ફિલ્મ બની રહી છે. ‘પ્રલય’માં રણવીર સિંહ સાથે મલયાલમ અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન પણ જાેવા મળશે. ‘લોકાહ: ચેપ્ટર ૧ – ચંદ્રા’ બાદ કલ્યાણીને વધુ વ્યાપક ઓળખ મળી છે. હવે રણવીર અને કલ્યાણીની આ નવી જાેડી ફિલ્મપ્રેમીઓમાં ખાસ ચર્ચાનો વિષય બની રહી છે.




