
આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ વીડિયોના માધ્યમથી સરકારની માનસિકતા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, BA, BSc, નર્સિંગ અને ફાર્મસી જેવા વિવિધ કોર્સ કરતા ST, SC અને OBC સમાજના ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આજે પણ અટકેલી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રની ડબલ એન્જિન સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી અને રાજ્ય સરકાર આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લઈ શકી નથી. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘પઢેગા ઇન્ડિયા, બઢેગા ઇન્ડિયા’ જેવા મોટી મોટી વાતો અને કરોડો રૂપિયાના કાર્યક્રમો કરતી આ સરકાર શિક્ષણના મુદ્દે મૌન સેવી રહી છે. સરકારની આ બેદરકારીને કારણે ગયા વર્ષે પણ અનેક વિદ્યાર્થીઓએ પોતાનું શિક્ષણ અધૂરું છોડવું પડ્યું હતું અને આ વર્ષે પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેનાથી બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.
’આપ’ નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાત અને દેશભરમાં પેપર લીક થવાની ઘટનાઓ સાથે હવે સ્કોલરશિપ અટકાવવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. નિરંજન વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો કે શું બાળકોને સારું શિક્ષણ અને શિષ્યવૃત્તિ આપવી એ સરકારની ફરજ નથી? આ પાછળ આદિવાસી વિરોધી માનસિકતા છતી થાય છે, કારણ કે સરકારને ડર છે કે જો આદિવાસી સમાજના બાળકો ભણી-ગણીને આગળ વધશે તો પોતાના હક્ક માટે અવાજ ઉઠાવશે. તેમણે કેન્દ્ર અને ગુજરાત સરકારને નમ્ર અપીલ કરતા વિનંતી કરી છે કે તમામ વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે. જો આવનારા ૧૫ દિવસમાં સ્કોલરશિપ નહીં આપવામાં આવે, તો ગાંધીનગર ખાતે આવેલા બિરસા મુંડા ભવન અને ગાંધીચિંધ્યા માર્ગે વિધાનસભાનો ઘેરાવ કરવાની કડક ચેતવણી આપવામાં આવી છે.




