
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા સંજયસિંહ રાજે જણાવ્યું હતું કે, ભણતર એ ખૂબ જ ગંભીર વિષય છે. તકલીફ જરૂર પડે પણ તેનાથી જિંદગીની પ્યાસ બુઝાય છે, શિક્ષણથી જ સવાલો થાય છે અને જીવનની નૈયા પાર થાય છે. પરંતુ શિક્ષણ જગતમાં ક્યારેક એવા કલંકિત દાખલાઓ બને છે જેનાથી ખૂબ દુઃખ થાય છે. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા. તેમની તિજોરીમાંથી વિદેશી દારૂની પચાસ જેટલી ખાલી અને બે અડધી ભરેલી બોટલો પકડાઈ છે. આવા દારૂડિયા શિક્ષકો શાળાએ આવે તો બાળકોનું ભવિષ્ય રોળાય છે અને બીજા સારા શિક્ષકોનું નામ પણ ખરાબ થાય છે. આપણે ગામડાઓમાં ઘણી ઘટનાઓ જોઈ અને સાંભળી છે કે કેવા નરાધમ શિક્ષકો નાની નાની દીકરીઓ ઉપર ખરાબ નજર નાખીને દુષ્કર્મ આચરે છે. શાળાના કેટલાક શિક્ષકો બાળકો પાસે ગામમાંથી મસાલા, ગુટકા કે માવા મંગાવતા હોય છે. પોતે વ્યસનવાળા શિક્ષકો શાળાની અંદર હોય તો તેની બાળકો પર શું અસર પડે તે વિચારવા જેવું છે.
’આપ’ નેતા સંજયસિંહ રાજે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના લાખો રૂપિયાના પગાર મેળવીને બાળકોને ભણાવવાની જગ્યાએ પોતાના અંગત મનસૂબા પૂરા કરતા આ શિક્ષકોને વાલીઓએ ખરા અર્થમાં સબક શીખવવો જોઈએ. સરકાર શાળાઓ બંધ કરે છે જેથી ગરીબોના બાળકો ભણે નહીં અને સવાલો કરે નહીં. જો સરકાર, સરકારી પ્રતિનિધિઓ અને વાલીઓ ના બોલે તો આવા શિક્ષકોને આદત પડી જાય છે, જેને છોડાવવા માટે ગામના આગેવાનો, વડીલો, યુવાનો અને વાલીઓએ જાગૃત થવું પડશે. નશામાં ધૂત શિક્ષકો નાની દીકરીઓ પર નજર બગાડે તે પહેલાં આપણે જાગવું પડશે. આવનારા સમયમાં અમે પણ મેદાનમાં ઉતરવાના છીએ. જો ક્યાંય શાળા કેન્દ્રમાં આવો શિક્ષક પકડાશે અને કાયદાકીય કાર્યવાહી નહીં થાય, તો અમે તેમને સારી રીતે સબક શીખવીશું. ગરીબ અને મધ્યમ પરિવારના બાળકોનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે, કેટલીય શાળાઓ બંધ થઈ ગઈ છે, ઓરડા નથી અને બાળકો ખુલ્લી જગ્યામાં ભણી રહ્યા છે, ત્યારે સરકારે અને તેના પ્રતિનિધિઓએ કડક પગલાં લઈ આવા નપાવટ શિક્ષકોને સજા આપવી જોઈએ. જો તમારી શાળામાં આવું કંઈ થતું હોય તો અમારો કોન્ટેક્ટ કરો, તમે ના બોલી શકો તો અમે બાળકોના ભવિષ્ય માટે મજબૂતાઈથી લડાઈ લડીશું.




