
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતમાં દર વર્ષે આવતા ખાડીપૂરને કારણે જાન-માલના થતાં નુકશાન અંગે હજુ સુધી તંત્ર ધ્વારા કોઈ નિર્ણાયક અને કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવાના કારણે આ વર્ષે પણ ખાડી પૂરના પાણીની વરાછા સહિત લિંબાયત અને ઉધના ઝોનમાં ખાડી કિનારાના વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ આ વર્ષે ૦૭મી જુલાઈના રોજ અનરાધાર વરસાદને કારણે શહેરમાં ભારે પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને એમાં ખાસ કરીને શોપિંગ સેન્ટર અને ટેક્ષટાઇલ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. ટેક્ષટાઇલ નગરી તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતા સુરત શહેરમાં વરસાદી પૂરને કારણે પહેલી વખત ૩૦ જેટલી માર્કેટોના બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
જ્યારે ડબલ બેઝમેન્ટ પાર્કિંગ ધરાવતી માર્કેટોમાં વરસાદી પૂરના પાણીના નિકાલમાં એક વિક (સપ્તાહ) કરતાં વધુ સમય થઈ ગયો છે. આ દરમ્યાન માર્કેટોમાં લાખો રૂપિયાના નુકશાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.જેમાં લિફટથી માંડીને વાયરિંગ સહિત ફાયર સેફટીના સાધનોને પણ ભારે નુકશાન પહોંચતા અંદાજે પ્રત્યેક માર્કેટને સરેરાશ ૨૦ લાખથી વધુનું નુકશાન થયું હોવાની ગણતરી કરવામાં આવી રહી છે.
આ પરિસ્થિતીમાં હવે રાજય સરકાર ધ્વારા ટેક્ષટાઇલ માર્કેટનો પણ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તેવી સંચાલકો ધ્વારા માંગ કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળેલ છે. ત્યારે હવે જોવું એજ રહ્યું કે સંવેદનશીલ કહેવાતી આ સરકાર ટેક્ષટાઇલને થયેલા નુકશાન અંગે કેટલી સંવેદના રાખે છે?




