
આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, હાલ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત પોલીસે અને ગુજરાતની સરકારે ડ્રગ્સ માફિયા વિરુદ્ધ 1649 નોંધ્યા પરંતુ એમાંથી ફક્ત 76 લોકોને જ દોષિત ઠેરવ્યા. એક બાજુ હર્ષ સંઘવી અને ગુજરાતની પોલીસ મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવી રહી છે, જાણે કે ગુજરાતમાંથી ડ્રગ્સને પકડીને ખતમ કરી રહી છે. બીજી બાજુ પોલીસ જ કોર્ટને પુરાવા નથી આપી શકતી, આરોપીઓને સામે નથી લાવી શકતી, આ આજની હકીકત છે. આજે હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસનો પર્દાફાશ થયો છે. શું આ લોકોની ડ્રગ્સ માફિયા સાથે મિલીભગત છે? ગુજરાતમાંથી 65000 કિલોનું હજારો કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. એમડી ડ્રગ્સ, ઇન્જેક્શન, હિરોઈન, ગાંજા સહિત તમામ પ્રકારના નશા માટે ગુજરાત હવે એન્ટ્રી પોઇન્ટ બની ગયું છે, જેના કારણે હજારો-લાખો યુવાનો ખોખલા બનતા જાય છે. એક બાજુ અગાઉ લોકો ઉડતા પંજાબની વાત કરતા હતા અને અત્યારે ઉડતા પંજાબ એક પડતા પંજાબ બની ગયું છે. 27 નંબરે પંજાબ હતું એ આમ આદમી પાર્ટીની સરકારમાં પહેલા ક્રમે આવી ગયું છે. ભગવંત માનજીની સરકારે પંજાબમાંથી ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું છે. જ્યારે ગુજરાતમાં ખૂણે ખૂણે નશાનો વેપાર ચાલી રહ્યો છે અને હોમ ડિલિવરી થઈ રહી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાવનગરના અનેક યુવાનો કેમિકલ યુક્ત દારૂ પીને મોતને ભેટ્યા છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, જ્યાં 10 વર્ષ પહેલા દારૂ કે ડ્રગ્સનું નામોનિશાન ન હતું પરંતુ હવે ભાજપ સરકારના રાજમાં બુટલેગરોને પ્રોત્સાહન મળ્યું છે અને ડ્રગ્સ ડીલરો ગુજરાતમાં વધી રહ્યા છે. પીપાવાવ પોર્ટ, કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ અને પોરબંદર પોર્ટ જાણે ડ્રગ્સ માટે એન્ટ્રી પોઇન્ટ બની ગયા છે. પાકિસ્તાનથી ડ્રગ્સ ગુજરાતમાં આવે છે અને એનાથી ગુજરાતના યુવાનો ખોખલા બની રહ્યા છે. હર્ષ સંઘવીને મારી અપીલ છે કે રીલમાં નહીં પરંતુ રિયલ લાઇફમાં ડ્રગ્સ બંધ કરીને બતાવો. જે રીતે પંજાબમાં ભગવંત માનજીની સરકારે ડ્રગ્સ માફિયાઓને જેલમાં નાખવાનું કામ કર્યું, એ રીતે હવે તમે કહો કે તમે કેટલા ડ્રગ્સ ડીલરોને જેલમાં પૂર્યા છે? ક્યાંથી આ ડ્રગ્સ આવે છે કોણ આ ડ્રગ્સ લે છે એ માહિતી ગુજરાતની જનતા સમક્ષ મૂકો. અમારું માનવું છે કે અમુક નેતાઓ અને અમુક પોલીસનું ડ્રગ્સ ડીલર સાથે સાંઠગાંઠ હશે. જેના કારણે હજારો કરોડોના ડ્રગ્સનો વેપાર ગુજરાતમાં એ લોકો કરી રહ્યા છે. હું ગુજરાતના જેનજી અને જેન આલ્ફા સહિત ગુજરાતના યુવાનોને કહેવા માગું છું કે આપણે જાતિ જ્ઞાતિ જેવા તમામ ભેદભાવ ભૂલીને અને રાજનીતિને બાજુમાં મૂકીને આપણે હવે અવાજ બુલંદ કરવો પડશે. જો આપણે ન્યાય નહીં માંગીએ તો ધીરે ધીરે ગુજરાત અને ગુજરાતના યુવાનો ખતમ થઈ જશે. ગુજરાતના નેતાઓને ગુજરાતના યુવાનોની કંઈ પડી નથી, એટલા માટે આ લોકો ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી નથી કરતા. તો મારી તમામ લોકોને અપીલ છે કે ચાલો આપણે સાથે મળીને ડ્રગ્સ વિરોધ મોરચો માંડીએ.




