
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
સુરતના હૃદય સમાન ભાગળ અને ચૌટાપુલ બજારમાં ભરાતા માર્કેટમાં ગરીબ લારીવાળા, રેંકડીવાળા, પાથરણાંવાળા, ફેરીયાઓ, ઈ-રિક્ષાવાળા વગેરે નાના ધંધાર્થીઓ સુરત શહેરમાં તહેવારો દરમ્યાન કોઈ પણ વિસ્તારનો કે પછી અડાજણ હોય, વરાછા હોય કે વેસુનો પોશ વિસ્તાર હોય ત્યાં પણ રોજનો ધંધો કરી રોજ ખાનારા જીવન નિર્વાહ ચલાવતા હોય છે.
જ્યારે ભાગળ ચાર રસ્તાથી નવસારી બજાર સુધીનો રોડ ફટાકડા, પતંગ, કપડાં જેવા સિઝન પ્રમાણેનો ધંધો કરે છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે માત્ર ને માત્ર સત્તાવાળાઓ ચૌટાપુલ કે ભાગળને જ કેમ ટાર્ગેટ કરે છે. સામાન્ય રીતે આ ફેરીયાઓના ધંધાથી જે સ્થાનિક દુકાનો લઈને બેઠા છે એવા વેપારીઓના ધંધા રોજગાર છીનવાઈ જતાં નથી. કારણ કે મોટા ભાગના ફેરીયાઓના ધંધા સીઝન પ્રમાણેના હોવાથી એવા લોકો સીઝનમાં જ આવે છે. એમાં કેટલાક ફેરીયાઓ પત્નિ, બાળકો સહિત ફૂટપાથો પર ધંધો કરે છે. તેઓની પણ મજબૂરી હોય છે. બેરોજગારી અને મોંઘવારીથી પીસાતી પ્રજા જો ધંધો ના કરે તો તેઓનું જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. આવા કપરા સંજોગોમાં સત્તાવાળાઓએ ભાગળ ચાર રસ્તા અને ચૌટાપુલ બજારને દબાણ હટાવના નામે ધંધા કરતાં રોકવા જોઈએ નહિં.
સુરતના સાન સમા ભાગળ અને ચૌટાબજાર ઐતિહાસિક છે, જેનો ઇતિહાસકારોએ ઉલ્લેખ પણ કર્યો છે.એવો ભાગળ વિસ્તાર ગણેશ આગમન હોય કે ગણેશ વિસર્જન હોય, દેશ વિદેશોમાં રમાતી ક્રિકેટ મેચો જાહેરમાં લગાડેલા સ્ક્રીન પર જોવા ભારે ભીડ એકઠી થતી હોય છે. અહીં જોવાનું એ છે કે ભલે લોકોના ઘરે ટીવી ની આધુનિક સુવિધા હોવા છતાં સુરતીઓ ભાગળનો મોહ છોડતા નથી અને મિત્ર વર્તુળો સાથે મેચનો અનેરો આનંદ માણતા હોય છે. સાથે સાથે ખાઉધરાગલી જેવી જાણીતી ખાણીપીણીની જગ્યાઓ પણ ભાગળ અને ચૌટાબજારના વિસ્તારો વાર તહેવારોએ વેચાતા ફટાકડા, લાઈટના ડેકોરેશનના તોરણો, ફુગ્ગાવાળા, રમકડાંવાળાઓ થી ફૂટપાથો ભરાઈ જતાં હોય છે અને એમાં હોય છે આવા નાના ધંધાર્થીઓને સીઝનમાં કમાવાની મોટી આશા.
આમ દિવાળી કે અન્ય તહેવારોમાં ઝીરો દબાણના બહાને SMC અને પોલીસ સ્ટેશનની એસી ચેમ્બરોમાં બેઠેલાઓ એકાએક દબાણ હટાવ કામગીરી કરી સીઝનમાં ધંધો કરતાં નાના ધંધાર્થીઓને હેરાન પરેશાન કરી એમનો માલ પણ જપ્ત કરતાં હોય છે. જેથી તહેવારોમાં જ નાના ધંધાર્થીઓથી રોજી રોટી છીનવાઈ જતાં મોંઘવારીમાં પણ આર્થિક નુકશાનનો ભોગ બનવું પડે છે. આ કામગીરી કરનારા ઊંચા પગારોની સાથે ફિક્સ પગારવાળા હોવાથી એમને કોઈ ફેર નથી પડતો પણ ફેર પડે છે ગરીબ ધંધાવાળાને, જેમની રોજીરોટી છીનવાઈ જતાં એમના બાળકોની થાળીમાંથી એમનું ભોજન પણ છીનવાઈ જાય છે.
ત્યારે સવાલ અહીં એ થાય છે કે શું SMC અને પોલીસને માત્ર ને માત્ર ફૂટપાથ પર બેસી ધંધો કરનારા નાના માણસોના જ દબાણો દેખાય છે? શું અડધા રસ્તા રોકી માલેતુજારોની મારુતિઓ પડેલી દેખાતી નથી? શું જ્યાં ત્યાં ઉભી રહેતી અને મુખ્ય માર્ગો પર નો-પાર્કિંગમાં પણ પડેલી મોંઘી ગાડીઓ તંત્રને કેમ દેખાતી નથી? અમદાવાદ , વડોદરા અને મુંબઈ શહેરોમાં અનેક લોકો ફૂટપાથ પર ધંધો કરી જીવતા હોય છે ત્યારે સુરતની મહાનગરપાલિકાને જ આવા ફૂટપાથ પર ધંધા કરતાં લોકો માટે કેમ ધ્વેશ રાખે છે?




