Gujarat News: ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણાં ભાગોમાં માર્ચ મહિનાની શરુઆતના બે દિવસ દરમિયાન હવામાનમાં પલટો આવ્યો હતો, આ પછી રાજ્યમાંથી વરસાદ તો જતો રહ્યો પરંતુ ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાત્રે તથા વહેલી સવારે શિયાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે. હવે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં કેવા ફેરફારો થઈ શકે છે તે અંગેની આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. હાલ રાજ્યનું હવામાન સૂકું છે અને આગામી દિવસોમાં સૂકું રહેવાની આગાહી છે જેમાં કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી.
આગાહીમાં હવામાન વિભાગે જણાવ્યું
મંગળવારે સાંજે કરેલી આગાહીમાં હવામાન વિભાગ જણાવે છે કે, સોમવારથી તાપમાનમાં વધારો થશે, આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા નીચું રહી શકે છે. રાત્રીનું તાપમાન પણ આગામી દિવસોમાં ઊંચું આવશે, જોકે, આ સિવાય તાપમાનમાં બહુ મોટા ફેરફારો થવાની શક્યતાઓ નથી.
મંગળવારે રાજ્યના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો, જેમાં નલિયામાં સૌથી નીચું 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે સૌથી નીચું 32 ડિગ્રી મહત્તમ તાપમાન સુરતમાં નોંધાયું હતું. સૌરાષ્ટ્ર કે રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થયો હોવાનું નોંધાયું નથી.
11 માર્ચ સુધીની કરવામાં આવી આગાહી
11 માર્ચ સુધી જે આગાહી કરવામાં આવી છે તેમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વરસાદ થવાની સંભાવનાઓ નથી. હવામાનમાં કોઈ મોટા ફેરફારો થવાની ચેતવણી પણ અપાઈ નથી. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
માવઠા બાદ અમદાવાદ સહિત રાજ્યના તમામ ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2થી 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં મંગળવારે લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થઈને 14 પર પહોંચ્યું હતું. આ સાથે મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો થતા તે 28 ડિગ્રીએ પહોંચ્યું હતું.