
પોલીસે ગુનો નોંધ્યો.એરપોર્ટ પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપ્યો.પોલીસે ફિરકી દીઠ ૨૫૦ લેખે કુલ રૂપિયા ૫,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપી પરેશભાઇની ધરપકડ કરી છે.શહેરમાં આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે. તેમ છતાં, કેટલાક તત્ત્વો છૂપી રીતે આ ઘાતક દોરીનું વેચાણ કરી રહ્યા છે. શનિવારે મોડી રાત્રે એરપોર્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સરદારનગર વિસ્તારમાં આવેલી જીવનદીપ હોસ્પિટલ પાસે વોચ ગોઠવી એક શખ્સને ૨૦ નંગ ચાઈનીઝ ફિરકી સાથે ઝડપી પાડ્યો છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમની ટીમ આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને ચાઈનીઝ દોરી અને કાચ પાયેલી જાેખમી દોરીનું વેચાણ કરતા ઈસમો પર નજર રાખવા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રાત્રિના આશરે ૧૦ વાગ્યાના સુમારે ઈન્દિરા બ્રિજ સર્કલ પાસે પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ કેસરી ચેક્સ વાળો શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને થેલામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લઈ જીવનદીપ હોસ્પિટલ પાસેથી પસાર થવાનો છે. બાતમી મળતા જ પોલીસે હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી. થોડી જ વારમાં બાતમી મુજબના વર્ણન વાળો એક યુવક થેલો લઈને પસાર થતા પોલીસે તેને કોર્ડન કરી રોકી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેનું નામ પરેશભાઈ ભરતભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પંચોની હાજરીમાં તેના થેલાની તપાસ કરતા તેમાંથીચાઈનીઝ દોરીની ૨૦ નંગ ફિરકી મળી આવી હતી. પોલીસે ફિરકી દીઠ ૨૫૦ લેખે કુલ રૂપિયા ૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. જ્યારે પરેશભાઇની ધરપકડ કરી છે.




