
બોપલમાં મેકડોનાલ્ડ્સની મોટી લાપરવાહી ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી કરાઇ મેકડોનાલ્ડ્સના કિચનમાં વેજ અને નોનવેજ બંને પ્રકારની ખાદ્યસામગ્રીઓ કોઈ પણ જાતના ભેદભાવ વગર એકસાથે રાખવામાં આવે છે અમદાવાદ શહેરના પોશ ગણાતા બોપલ વિસ્તારમાંથી શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ફૂડ સેફ્ટી સામે સવાલો ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલમાં આવેલી આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન ‘મેકડોનાલ્ડ્સ‘ ની બ્રાન્ચ દ્વારા એક ગ્રાહકને ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો છે. પવિત્ર દિવસોમાં શુદ્ધ શાકાહારી ભોજનની અપેક્ષા રાખતા ગ્રાહકને આ ઘટનાથી અત્યંત કડવો અને આઘાતજનક અનુભવ થયો છે.
મળતી માહિતી મુજબ, સ્થાનિક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે બોપલ મેકડોનાલ્ડ્સ આઉટલેટમાંથી શુદ્ધ વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ઘરે પહોંચ્યા બાદ જ્યારે ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમાં નોનવેજ પેટી હોવાનું માલૂમ પડ્યું હતું.
આ ગંભીર ભૂલ અંગે જ્યારે ગ્રાહકે જાગૃત નાગરિક તરીકે મેકડોનાલ્ડ્સના સ્ટોર પર રૂબરૂ જઈને રજૂઆત કરી, ત્યારે ત્યાંના સંચાલકો અને સ્ટાફ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. સ્ટોર મેનેજમેન્ટે આ ગંભીર બેદરકારી સ્વીકારવામાં ભારે આનાકાની કરી હતી.
પીડિત ગ્રાહકે આઉટલેટની મુલાકાત લીધા બાદ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે, મેકડોનાલ્ડ્સના કિચનમાં વેજ અને નોનવેજ બંને પ્રકારની ખાદ્યસામગ્રીઓ કોઈ પણ જાતના ભેદભાવ વગર એકસાથે રાખવામાં આવે છે.
હાઇજીન અને ધાર્મિક પવિત્રતાના નિયમોનું અહીં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને આસ્થા સાથે ચેડાં કરતી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. હાલ ગ્રાહક દ્વારા આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફૂડ ડિપાર્ટમેન્ટમાં સત્તાવાર ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ આઉટલેટ સામે કડક કાયદાકીય તપાસ અને સીલિંગની કાર્યવાહી થઈ શકે.



