
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના જે જંગલ વિસ્તાર છે, ત્યાં ખેતીવાડીની વીજળી પહોંચી નથી શકતી. તો પીએમ કુસુમ યોજના અંતર્ગત સિંચાઈ માટે જે સોલાર પંપ આપવામાં આવે છે એને લઈને ચર્ચાઓ થઈ હતી. અમે સરકારના મંત્રીને જણાવ્યું કે યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ (USPC) દ્વારા જે સિંચાઈ સિવાયના સમયમાં ઉર્જાનો સંગ્રહ કરી શકે છે, તેનો ઉપયોગ ઘરવપરાશ, પશુપાલન અને કૃષિના સાધનો ચલાવવા માટે થાય, તેના માટે સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા માટેની માંગ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ’મનકી બાત’ પ્રોગ્રામમાં આ વાત મૂકી હતી અને રાજસ્થાનમાં તેમણે પોતે ડેમો પણ જોયો છે. ગુજરાતમાં પણ ખેડૂતોને USPC લગાડીને સોલાર પંપ આપવામાં આવે એવી વાત કરી છે. બીજી બાબત એ કે ખેડૂતોને વેન્ડરના નંબર આપી દેવામાં આવે છે અને જ્યારે ખેડૂતના સ્ટાર્ટર કે મોટર કંઈ પણ બગડે છે તો ત્યાં સ્થાનિકમાં કોઈ પણ સર્વિસ સ્ટેશન હોતા નથી. પછી ખેડૂત કંપનીમાં પોતાનો પંપ સેટ મોકલે અને એને પાછો આવતા અઠવાડિયાથી લઈને 15 દિવસ લાગે છે, તો ઘણી વખત ખેડૂતોના પાક પણ સુકાઈ જતા હોય છે. માટે મેં માંગ કરી છે કે તાલુકા કક્ષાએ દરેક વેન્ડરનું પોતાનું સર્વિસ સ્ટેશન હોય એ જરૂરી છે, જેથી ત્યાં જ રીપેરીંગ થઈ જાય એવી અમે માંગ કરી છે.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જે પણ વેન્ડરોને એમ્પેનલ કરવામાં આવેલા છે, એમાંથી બે ત્રણ એજન્સી સિવાયના જેમકે દર્શનીલ ઇલેક્ટ્રોમેશન અને રોટોમોકમોટર દ્વારા ખેડૂતો પાસેથી ફોર્મ ભરતી વખતે ₹1,000 લેવામાં આવે છે જ્યારે મંત્રીએ કહ્યું છે કે કોઈ ખેડૂતે પૈસા આપવાના નથી હોતા. સ્ટ્રક્ચર ઊભું કરવામાં પણ ₹1,500 લેવામાં આવે છે એવી અમને ફરિયાદો મળી છે. એસ્ટીમેટ પ્રમાણે જે મોટર 300 ફૂટ અંદર બોરમાં ઉતારવાની જોગવાઈ છે પરંતુ આ કંપનીઓ 200 ફૂટ કે 210-250 ફૂટ અંદર મોટર લટકાવીને જતા રહે છે. જેના કારણે એક કે બે કલાક જ સિંચાઈનું પાણી ચાલે છે અને મોટર બંધ થઈ જાય છે. તો જે પ્રમાણે કામ નક્કી થયા છે અને સ્પેસિફિકેશન હોય એ પ્રમાણે જ કામ થાય તે મુદ્દે તપાસ કરવામાં આવે તેવી મેં માંગ કરી છે.
પોતાના બીજા પ્રશ્નો મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ વાત કરતા જણાવ્યું હતું કે, બીજો પ્રશ્ન હતો કે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં જેટલા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામાન્ય આરોગ્ય કેન્દ્ર અને જનરલ હોસ્પિટલો છે તેમાં કેટલી જગ્યાઓ ખાલી છે, તો લગભગ 30 ટકા જેટલી જગ્યાઓ અને એમાં વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, અને વર્ગ 4 એમ તમામમાં જગ્યાઓ ખાલી છે. 25000 કરોડનું આપણું આરોગ્યનું બજેટ છે, તો PMJAY અંતર્ગત નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા કાર્ડ ધારકોને લાભ આપવામાં આવ્યો એની પણ અમે માહિતી માંગી. જવાબ મળ્યો કે નર્મદામાં છેલ્લા બે વર્ષમાં સારવાર માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી અને છોટાઉદેપુરમાં 47.21 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો વસ્તી પ્રમાણે અમને લાગે છે કે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના લોકોને ખૂબ જ ઓછો લાભ મળ્યો છે.
વધુ એક અન્ય સવાલ મેં કર્યો હતો કે નર્મદા અને તાપી જિલ્લામાં સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં પુરા જિલ્લામાં કેટલી શબવાહિનીઓ છે તો તેના જવાબમાં સરકારે કહ્યું કે નર્મદા અને તાપી જિલ્લામાં એક પણ શબવાહિની નથી, આ ખૂબ જ દુઃખદ બાબત છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી છે, એ નર્મદા જિલ્લો છે, અને નર્મદા બંધ પણ ત્યાં આવેલો છે, છતાં જિલ્લામાં એક પણ શબવાહિની નથી. કોઈનું મૃત્યુ થાય છે, તો ટ્રેક્ટરમાં કે પીક-અપ ટ્રકમાં કે ઝોળીમાં નાખીને તેમને લઈ જવા પડે છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદા જિલ્લાની વરવી વાસ્તવિકતા છે. આના પરથી સરકારની મંશા અને સરકારની બેદરકારી દેખાઈ રહી છે.




