
સંસ્કૃત શ્લોકો સાથે ભવ્ય સ્વાગત ઈડરના મૂડેટીમાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વૈદિક ગુરુકુલનું ઉદ્ઘાટન આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ, સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે છે.
ઈડર તાલુકાના મૂડેટી ખાતે આવેલા ‘ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ‘ દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા. અહીં તેમણે વૈદિક ગુરુકુલના નૂતન સંકુલનું લોકાર્પણ કરી સંસ્કૃત શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિના જતન માટેની ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી.
મુખ્યમંત્રી જ્યારે મૂડેટી પહોંચ્યા ત્યારે ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા વેદ મંત્રોચ્ચાર અને સંસ્કૃત શ્લોકોના ગાન સાથે તેમનું શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ, સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
મૂડેટીનું આ ગુરુકુલ ઉત્તર ગુજરાતમાં સંસ્કૃત અભ્યાસનું એક મોટું કેન્દ્ર બની રહ્યું છે. અહીં ધોરણ ૧ થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે, અહીં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ દેશભરના યુવાઓ વેદ-પુરાણો અને શ્લોકોનું જ્ઞાન મેળવી રહ્યા છે. આ નૂતન સંકુલના નિર્માણથી હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિને નવી દિશા મળશે.
ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રીએ સંકુલનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નવી પેઢીને આધુનિક શિક્ષણની સાથે આપણી પ્રાચીન વૈદિક પરંપરાનું જ્ઞાન મળે તે અત્યંત જરૂરી છે. મૂડેટીની આ પાઠશાળા ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં પાયાનું કામ કરી રહી છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ સંકુલ આવનારા સમયમાં જ્ઞાનનું મહત્વનું કેન્દ્ર બનશે




