
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગાંધીના ગુજરાતમાં સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરીને દારૂબંધીનો પ્રચાર-પ્રસાર કરે છે. બીજી બાજુ કેન્દ્રના ગૃહમંત્રી ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની વાતો કરે છે. ત્યારે બીજી બાજુ રોજે રોજ કેટલાય રૂપિયાનું ડ્રગ્સ અને એને સપ્લાય કરનારા પકડાય છે. ઉપરાંત દારૂ પણ ગામડા થી લઈ મોટા શહેરોમાં બે ફિકર થઈ બુટલેગરો વેચતા હોય ત્યારે સરકારી જાહેરાતો અને સરકારી દાવાઓ કેટલા ખોખલા સાબિત થતા હોય છે. એ તો ભાજપના મહામંત્રી દારૂનો વેપલો કરતાં જ્યારે લાલગેટ પોલીસના હાથે રંગે હાથ પકડાતા હોય ત્યારે સરકારની પોલ ખુલી જાય છે. જે રાજ્ય દારૂબંધીનું હિમાયતી રહ્યું હોય ત્યાં જ લાખો/કરોડો નો દારૂ આવતો હોય છે અને એટલો જ પીવાતો હોય એ રાજ્યની દારૂબંધીના દાવા કેટલા ખોખલા છે. એ તો રોજે રોજ પકડાતા દેશી/ઇંગ્લીશ દારૂના વેપલા પરથી જ ખ્યાલ આવી જતો હોય છે.
હવે જ્યારે ૧ લી ડીસેમ્બરથી ગુજરાત સરકારના નશા વિરોધી અભિયાનનો પ્રારંભ થવાનો છે. ત્યારે નશામુક્ત ગુજરાતના સંદેશા પહેલા ભાજપે પોતાના ઘરથી જ દારૂબંધી ના અમલ ની શરૂઆત કરવી પડશે બાકી કથની અને કરણી ભાજપના જુદા છે. એ પ્રજા સારી રીતે જાણે છે.
આમ નશાબંધી અભિયાન ની શરૂઆત પહેલા જ ભાજપના વોર્ડ નં ૧૨ ના મહામંત્રી વિજય મોદી દારૂના જથ્થા સાથે પકડાતા હાલ તો ભાજપની સ્થિતિ કફોડી બની ગઈ છે. એક બાજુ ભાજપ સામાન્ય નાગરિકોને, યુવાનો ને નશાથી દૂર રહેવાનો સંદેશ આપે છે. ત્યારે બીજી બાજુ પકડાયેલા હોદ્દેદાર સામે કડક પગલાં ભરવાને બદલે ભાજપ શહેર પ્રમુખે માત્ર કારણદર્શક નોટીસ ફટકારી બુટલેગર હોદ્દેદારનો સાત દિવસમાં માત્ર ખુલાસો માંગ્યો છે. જે બુટલેગર બબ્બે સાંસદો સાથે બિન્દાસ ઉભો રહી ફોટા પડાવતો હોય એ જ બુટલેગર પાસેથી ત્રણ લાખ રૂપિયાનો દારૂ પકડાયા છતા એને ગણતરીના કલાકોમાં જ જામીન પણ મળી જાય છે. આના થી મોટો ભ્રષ્ટાચાર શું હોઈ શકે ?
આ બનાવથી એટલું ચોક્કસ છે કે સરકાર જે કોઈ કાયદા બનાવે છે એનો અમલ દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા જેવી વાત ખુલ્લે આમ દેખાઈ આવે છે. હવે એક વાત વિચારીએ કે આજ ભાજપના હોદ્દેદાર ની જગ્યાએ અન્ય કોઈ બુટલેગર હોત તો શું રાતોરાત જામીન મળ્યા હોત ખરા ? ઉપરાંત લાખોનો દારૂ પકડાય એ વિસ્તારના પોલીસ અમલદાર નો જવાબ લીધા વગર સરકાર રહેત ખરી? આવા તો અનેક સવાલો ગુંજી રહ્યા છે. ત્યારે વાડ જ ચીભડા ગળે ત્યાં ફરિયાદ કોને કરવી?




