
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતમાં ૩૦-૩૫ વર્ષો ઉપરાંત કપડા માર્કેટ (ટેક્ષટાઇલ્સ માર્કેટ)ના વેપારીઓના હિત માટે બનાવવામાં આવેલી સંસ્થા જેનું નામ ફોસ્ટા છે. એવી આ સંસ્થાનું રજીસ્ટ્રેશન સને ૨૦૦૫ માં BPMC એકટ હેઠળ રદ કરવામાં આવેલ છે. છતાં ફોસ્ટા ના નામે આજે કાર્યરત છે. જેના પ્રમુખ કૈલાસ હકીમજી છે જે સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે. આ સંસ્થા એટલે કે ફોસ્ટાનો મૂળ હેતુ કાપડ બજારના વહેપારીઓના હિતોનું રક્ષણ કરી એમને ન્યાય અપાવવાનો છે. દાખલા તરીકે કોઈ બિલ્ડર દ્વારા ઉભા કરાયેલા પ્રોજેક્ટોમાં કાપડ બજારના વહેપારીઓએ વેચાણ રાખેલી દુકાન, ગોડાઉન કે અન્ય મિલકતોમાં બિલ્ડરો દ્વારા કરાયેલી છેતરપિંડીનો ભોગ બનનાર કાપડ વહેપારીઓને ન્યાય અપાવવો. એમના ફસાયેલા નાણાં પાછા અપાવવા અથવા એમણે (વહેપારીઓએ) વેચાણ રાખેલી મિલકતનો કબજો અપાવવો.
એજ રીતે સુરતના કપડા બજારનો માલ માત્ર દેશના વિવિધ રાજ્યોના શહેરોમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જતો હોય છે અને એમાં સુરતના વહેપારીઓના નાણાં પણ ફસાઈ જાય છે. એવા વહેપારીઓની પડખે ઊભા રહેવાનું કામ ફોસ્ટાના પ્રમુખ અને તેમની ટીમનું છે. પરંતુ કમનશિબી એ છે કે હાલના આ વર્તમાન પ્રમુખ કૈલાસ હકીમજી રાજકીય નેતાની ખુસામતથી જી હજૂર હાજર હૈ જેવી નીતિ અપનાવી માત્ર ને માત્ર ફોટા પડાવીને જ ફોસ્ટાનું ગૌરવ વધારી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.
હવે એક નજર કરીએ એક સમયના સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ અને વહેપારીઓ કે જેઓ એકબીજા વહેપારીઓને મદદરૂપ થતાં હતા. ભામાશા જેવા દાનવીર ઉદ્યોગપતિઓ અને વહેપારીઓ જેવા કે ગજાનંદ માલપાણીજી, જે.પી. શાહ, મહેન્દ્રસિંહ સુલેજા, પ્રમોદભાઈ ચૌધરી, ઓમજી શાલુ, કમલ તુસ્યાની, સાવરમલ બુધિયાજી ઉપરોક્ત આ તમામ ઉદ્યોગપતિઓ વહેપારીઓના હિત માટે કેન્દ્રમાં જે તે સમયના ટેક્ષટાઇલ મંત્રી કાશીરામ રાણા અને રાજનેતાઓને પણ ભલામણ કરી વહેપારીઓને ન્યાય અપાવતા હતા. જેમને આજે પણ વહેપારીઓ યાદ કરી રહ્યા છે.
એટલું જ નહીં પરંતુ ઉપરોક્ત ઉદ્યોગપતિઓએ જ્યારે સુરતમાં રેલ આવી ત્યારે પણ એ સમયના ટેક્ષટાઇલ મંત્રી શંકરસિંહ વાઘેલા સાથે રૂબરૂ મુલાકાતો લઈને વહેપારીઓને થયેલા નુકસાન અંગે રજૂઆતો કરીને એમના (વેપારીઓ અને વિવર્સના) હિતમાં કાર્યવાહી કરીને વહેપારીઓને ન્યાય અપાવેલો. અને વહેપારીઓને લાખોની રાહત મળેલી એવા આ લાગણીશીલ ઉદ્યોગપતિઓ એ કોઈ અસામાજિક તત્વોને ઓફિસમાં પ્રવેશ નહીં આપેલો કે નહીં કે પછી નહીં કોઈ અસામાજિક તત્વોનો સહારો એમણે લીધો નથી. એમણે માત્ર ને માત્ર વહેપારીઓના હિતોની જ વાત કરી હતી. અને વહેપારીઓના હિતોને જ સર્વોપરી માની સંસ્થા ચલાવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે સુરતમાં જ જ્યારે શિવ શક્તિ માર્કેટમાં આગ લાગેલી ત્યારે ફોસ્ટાના અધ્યક્ષે એટલે કે કૈલાસજી હકીમજી એ જે સહાનુભૂતિ બતાવેલી કે એનાથી એમ લાગતું હતું કે જે વહેપારીઓને આગમાં લાખો,
કરોડોનું નુકસાન પહોંચ્યું હતું અને કેટલાકની નગદ રોકડ પણ બળી ગઈ હતી એવા વહેપારીઓને જલ્દીથી ન્યાય મળશે પરંતુ આજ સુધી વેપારીઓને ન્યાય મળ્યો નથી અને નુકસાન પામેલ શિવ શક્તિ માર્કેટ પ્રોજેક્ટ આજે ત્યાંનો ત્યાં જ છે. એ સમયે એમ પણ લાગતું હતું કે ફોસ્ટાના પ્રમુખ જ ફાયરના ચીફ હોય એમ રાત-દિવસ ત્યાં રહેનારા પ્રમુખની સહાનુભૂતિ આજે ક્યાં ગઈ છે? કેમ આજે વહેપારીઓને બે વર્ષથી ન્યાય કેમ નથી અપાવી શક્યા? અને આજદિન સુધી ન્યાય કેમ નથી મળ્યો?
ફોસ્ટાના પ્રમુખ તરીકે તમે રાજનેતાઓને ભલામણ કરો છો એ સારી વાત છે એની સામે અમને વાંધો નથી પરંતુ ખરડાયેલી છબીવાળા ના હોવા જોઈએ. સાફ સુથરી છાપ ધરાવતા હોવા જોઈએ તથા પ્રજાલક્ષી કામગીરી કરતાં હોવા જોઈએ. સાફ સુથરી છાપ વાળા રાજસ્થાનના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બને એના માટે પ્રયત્નો કરવા જોઈએ. અને સર્વ રાજસ્થાની સમાજ આવકારે એવા હોવા જોઈએ.



