
સોશિયલ મીડિયા પર જાહેરાત જાેઈને જાળમાં ફસાઈ વિદેશમાં નર્સની નોકરી અપાવવાના બહાને બે યુવતીઓ સાથે છેતરપિંડી બે એજન્ટ ભાઈઓએ વિદેશમાં નર્સની નોકરી અપાવવાનું કહીને બે યુવતીઓ પાસેથી કુલ રૂ. ૧૦.૬૦ લાખ પડાવ્યા વડોદરાના ન્યૂ વી.આઈ.પી. રોડ પર ખોડિયારનગર પાસે આવેલા અર્થ આઈકોનમાં ઓફિસ ધરાવતા બે એજન્ટ ભાઈઓએ વિદેશમાં નર્સની નોકરી અપાવવાનું કહીને બે યુવતીઓ પાસેથી કુલ રૂ. ૧૦.૬૦ લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામની એકતાનગર કોલોનીમાં રહેતા અને નર્સિંગ ટ્યુટર તરીકે નોકરી કરતા નિકિતાબેન જયંતિભાઈ રોહિતે આ અંગે વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે જશવંત ચૌધરી અને તેના ભાઈ દુષ્યંત ચૌધરી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદની વિગતો અનુસાર, નિકિતાબેને વર્ષ ૨૦૨૪ માં સોશિયલ મીડિયા પર જશવંત ચૌધરીની એકનાથ ઇમિગ્રેશન કન્સલટન્સીની વિગતો જાેઈ હતી. નિકિતાબેન અને તેમની મિત્ર સિમરન ઈશ્વરભાઈ પરમાર ઓસ્ટ્રિયા (યુરોપ) ખાતે નર્સિંગની નોકરી કરવા જવા ઈચ્છતા હોવાથી તેઓ જશવંત ચૌધરીની ઓફિસે મળવા ગયા હતા. એજન્ટે તેમને યુરોપમાં નર્સિંગની નોકરીની પાકી ખાતરી આપીને ચાર મહિનામાં પ્રોસેસ પૂરી કરવાનું વચન આપ્યું હતું અને વ્યક્તિદીઠ ૬ લાખનો ખર્ચ જણાવ્યો હતો. વિશ્વાસમાં આવીને નિકિતાબેને શરૂઆતમાં રૂ. દોઢ લાખ ચૂકવ્યા હતા.
ઓક્ટોબર ૨૦૨૫ માં જશવંતના ભાઈ દુષ્યંત ચૌધરીએ યુવતીઓના પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ કરેલો એક ઓફર લેટર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ ઓસ્ટ્રિયા જવાનું છે. આ ઓફર લેટર પર વિશ્વાસ રાખીને નિકિતાબેને બીજા રૂ. ૪.૩૦ લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ એજન્ટોએ જ્યોર્જિયાના વિઝા અપાવવાનું કહીને ગલ્લાતલ્લા કર્યા હતા અને કોઈ યોગ્ય કાર્યવાહી કરી નહોતી. બંને ભાઈઓએ વિદેશમાં નોકરીની લાલચ આપીને નિકિતાબેન અને તેમની મિત્ર સિમરન પાસેથી કુલ રૂ. ૧૦.૬૦ લાખ પડાવી લીધા હતા. પોલીસને આશંકા છે કે આ એજન્ટ ભાઈઓની જાળમાં ફસાઈને અન્ય લોકોએ પણ પોતાના રૂપિયા ગુમાવ્યા હોઈ શકે છે, જે દિશામાં હાલ વધુ તપાસ ચાલી રહી છે.



