
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, દેશના યુવાનોની શક્તિ સામે ભાજપની અહંકારી સરકારે ઝૂકવું પડ્યું છે. યુવાનોની માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને આખરે ખૂબ જ બેશરમજનક રીતે રાજીનામું આપવું પડ્યું છે. “આંદોલન વિદેશી ફંડિંગથી ચાલે છે, ચાઈનીઝ એજન્ટ છે, સોરોસ ફંડ કરે છે” આમ કહીને દેશના યુવાનોના માથે માછલા ધોવામાં આવ્યા, પરંતુ અંતે સત્ય અને લોકશાહીનો વિજય થયો છે. શરમજનક રીતે જે રાજીનામું આપવું પડ્યું છે એ બાબતનો ગુસ્સો કાઢવા માટે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓનો એક AI – ડીપ ફેકથી બનાવેલો ઓડિયો હર્ષ સંઘવીના કહેવાથી મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. અને એમાં દાવો કરવામાં આવે છે કે “ગુજરાતની અંદર ભયંકર હાહાકાર મચાવી દેવાનો પ્લાનિંગ હતો.” વાસ્તવિક રીતે તો આ હતાશ થયેલા, નિરાશ થયેલા અને અંદરથી ભાંગી પડેલા ભાજપના લોકોનો આક્રોશ બતાવે છે એટલા માટે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનોનો ઓડિયો બનાવીને ખોટી રીતે લોકોને ગુમરાહ કરવામાં આવે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, યાદ રાખજો કે જે રીતે દિલ્હીમાં તમારા અહંકારનો ભુક્કો બોલાવી દેવામાં આવ્યો, એ જ રીતે ગુજરાતના યુવાનો તમારા અભિમાનને ઓગાળી દેશે. નકલી ઓડિયો બનાવનારા અને સર્ક્યુલેટ કરનારા લોકોનો અહંકાર ગુજરાતના યુવાનો તોડશે. જેવું દિલ્હીમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને દેશમાં ઉત્સવનો માહોલ થયો ત્યારે ગુજરાતમાં એક ષડયંત્રના ભાગરૂપે બધા જ ટીવીમાં અચાનક “હાય તૌબા હાય તૌબા”ચાલુ થયું. આ જે AI જનરેટેડ ઓડિયો બનાવીને આમ આદમી પાર્ટીના યુવાનો અને આગેવાનોને જે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે, એની સામે અમારો પ્રચંડ વિરોધ છે. આવનાર દિવસોમાં લીગલ એક્શનથી લઈને જે પણ કાર્યક્રમો કરવા પડશે એ કાર્યક્રમો અમારા દ્વારા કરવામાં આવશે.




