
સુરતમાં મામાને ત્યાં આવેલી અમરેલીની ૧૪ વર્ષની વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે ભગાડી દુષ્કર્મ આચર્યુ આરોપીના હોમગાર્ડ બનેવીએ કાયદાનું ભાન કરાવી તરુણીને પોલીસ સ્ટેશન મોકલતા ભાંડો ફૂટ્યો આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક સગીર વયના બાળકો માટે કેટલો ખતરનાક અને જાેખમી સાબિત થઈ શકે છે, તેનો આંખ ઉઘાડનારો અને ચોંકાવનારો કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતમાં પોતાના મામાના ઘરે ઉનાળુ વેકેશન ગાળવા આવેલી અમરેલીની ધોરણ ૧૦ની એક ૧૪ વર્ષીય વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવેલા ૨૪ વર્ષના યુવકે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું. નરાધમ યુવક સગીરાને અમરોલી સ્થિત એક રૂમ પર રાખી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ગંભીર મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.મળતી માહિતી મુજબ, મૂળ અમરેલીની અને રત્નકલાકારની ૧૪ વર્ષની દીકરી ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. તે ગત ૩૦ એપ્રિલના રોજ સુરતના વેડ રોડ વિસ્તારમાં તેના મામાના ઘરે વેકેશન માણવા આવી હતી. આ દરમિયાન, ગત ૨૫ મેના રોજ બપોરે આ સગીરા કોઈને કહ્યા વગર અચાનક સોસાયટીમાંથી ગુમ થઈ ગઈ હતી. મામાના પરિવારે ભારે શોધખોળ કરવા છતાં દીકરીની કોઈ ભાળ ન મળતા આખરે અમરેલી રહેતા તેના માતા-પિતાને જાણ કરાઈ હતી, જેથી તેઓ પણ તાબડતોબ સુરત દોડી આવ્યા હતા. ચિંતિત પરિવારજનો બે દિવસ પહેલા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પરિવાર હજુ ત્યાં હાજર જ હતો, તે જ સમયે ગુમ થયેલી તરુણી અચાનક ત્યાં આવી પહોંચતા સૌ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે માતા-પિતાની હાજરીમાં સગીરાની પૂછપરછ કરતા આખી આપવીતી બહાર આવી હતી.સગીરાએ ખુલાસો કર્યાે કે આશરે ત્રણ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે તેનો પરિચય ૨૪ વર્ષિય દીપક સોંદરવા સાથે થયો હતો. દીપક મૂળ અમરેલીના લીલીયા બોડીયાનો વતની છે અને હાલ સુરતમાં અમરોલી ગણેશપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગાયત્રીનગર સોસાયટીમાં ભાઈ સાથે રહે છે. સગીરા સુરત આવી હોવાની જાણ થતાં દીપકે તેને મળવાનો પ્લાન બનાવ્યો અને ૨૫ મેના રોજ મામાની સોસાયટીના નાકેથી તેને ભગાડીને અમરોલીમાં પોતાના એક સંબંધીના રૂમ પર લઈ ગયો હતો. બપોરે તેને રૂમ પર મૂકી દીપક તબેલા પર નોકરીએ ચાલ્યો ગયો હતો અને રાત્રે પરત ફરીને તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલામાં ટવીસ્ટ ત્યારે આવ્યો જ્યારે હોમગાર્ડમાં નોકરી કરતા આરોપી દીપકના બનેવીને આ વાતની ખબર પડી. તેમણે કાયદાનો આદર કરીને તાત્કાલિક તરુણીને ચોકબજાર પોલીસ સ્ટેશન મોકલી આપી હતી. આ હકીકતના આધારે પોલીસે દીપક સોંદરવા વિરુદ્ધ અપહરણ અને પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.



