
મોબાઈલ ફોર્મેટ કરાવતાં બેંક ખાતાં ખાલી મણિનગરના યુવકના ત્રણ બેંક ખાતામાંથી ૧.૮૬ લાખ રૂપિયા ગાયબ મોબાઈલમાં ગૂગલ પે ફરી ડાઉનલોડ કરી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસતાં ઠગાઈનો ખુલાસો, મણિનગર પોલીસે તપાસ શરૂ કરી મણિનગરમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા ૪૩ વર્ષીય વ્યક્તિના મોબાઈલમાં અપડેટની સમસ્યા આવ્યા બાદ મોબાઈલ ફોર્મેટ કરાવવો ભારે પડ્યો હતો. મોબાઈલમાં ગૂગલ પે ફરીથી ડાઉનલોડ કરી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચેક કરતાં તેમના ત્રણ અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ. ૧,૮૬,૩૩૫ અજાણ્યા શખ્સે ટ્રાન્સફર કરી લીધા હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ કર્યા બાદ પણ નાણાં હોલ્ડ ન થતાં તેમણે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મણિનગરના કાંકરિયા વિસ્તારમાં ગોરધનવાડી ટેકરા પાસે આવેલી ચત્રભુજ કોલોનીમાં રહેતા ભાવિનભાઈ ભૂપેન્દ્રભાઈ કડિયા (ઉં.વ. ૪૩) છત્રાલ (ગાંધીનગર) ખાતે એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ગત ૮ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે તેઓ રિલાયન્સ મોલમાં ખરીદી કરવા ગયા તે દરમિયાન તેમના સેમસંગ મોબાઈલમાં અપડેટ આવ્યું હતું. જાેકે, અપડેટની પ્રક્રિયા વારંવાર થતી હતી અને પાંચેક કલાક સુધી ચાલતી હોવાથી તેમણે દુકાને જઈ મોબાઈલ ફોર્મેટ કરાવ્યો હતો. ત્યારબાદ રાત્રે ઘરે પહોંચીને મોબાઈલમાં ગૂગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસી હતી. જેમાં એક્સિસ બેંકના ખાતામાંથી બિલાલ અહેમદ નામના વ્યક્તિના ખાતામાં રૂ. ૬૦ હજાર અને રૂ. ૩૮ હજાર એમ કુલ રૂ. ૯૮ હજાર ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ અન્ય બેંક ખાતાનાં સ્ટેટમેન્ટ તપાસતાં બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ. ૬૩,૩૩૫ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૂ. ૨૫ હજાર ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું. આમ, ત્રણ બેંક ખાતાંમાંથી કુલ રૂ. ૧.૮૬ લાખની રકમ ટ્રાન્સફર થઈ હતી. આ મામલે મણિનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




