
૩૫ મકાન સીલ કરી દેવાયાંમ્યુનિ. કોર્પાે.ની આવાસ યોજનાના ૨૦૦ લાભાર્થીને મકાન પરત લેવાની નોટિસઆગામી એક મહિનામાં ૧૦ હજારથી વધુ મકાનોનું ચેકિંગ કરવામાં આવશે. જેના પરિણામે વધુ મકાનો સીલ કરવામાં આવે તેવી શક્યતા છેશહેરી ગરીબો તેમજ મધ્યમવર્ગના નાગરિકોને ઘરના ઘર આપવાની યોજનામાં મકાન મેળવી લઇ બારોબાર બીજાને ભાડે આપી દેવાના કે કાચી ચિઠ્ઠી ઉપર વેચાણ કરી દેવાના કિસ્સા વધી ગયાં હોવાથી મ્યુનિ. એસ્ટેટ ખાતાએ ચેકિંગ બાદ ૨૦૦ જેટલાં લાભાર્થીઓને તેમને ફાળવેલાં મકાન પરત કેમ ના લઇ લેવા તેવા મતલબની નોટિસ ફટકારી દેતાં આવાસ યોજનાઓમાં મકાન ભાડે આપનારાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.મ્યુનિ. હાઉસિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મ્યુનિ.ના સહયોગથી ઝુંપડાવાસીઓ તેમજ ઘરવિહોણાં ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાન આપવામાં આવે છે,
પરંતુ આ યોજના હેઠળ સાવ મફતના ભાવે મકાન મળી ગયાં બાદ કેટલાય લોકો મકાનો ભાડે આપી દેતાં હોવાની તેમજ કેટલીક આવાસ યોજનામાં ખાલી હોય તેવા મકાનોના તાળાં તોડી ભાડે અપાતા હોવાની વ્યાપક ફરિયાદો બાદ સાત ઝોનના એસ્ટેટ ખાતાને તમામ આવાસ યોજનાઓમાં ભાડુઆત શોધવા સઘન ઝુંબેશ હાથ ધરવાની સૂચના અપાઈ હતી.તેના પગલે મ્યુનિ.ના સાતેય ઝોનના એસ્ટેટ ખાતાએ પાંચ હજાર મકાનોમાં ચેકિંગ કર્યુ હતુ અને ૩૭૨ મકાનોના માલિકોને શો કોઝ નોટિસ આપવામાં આવી છે અને ૩૫ મકાનો સીલ કરાયા છે તેમજ ૬૩ મકાનોના લાભાર્થીઓને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે.હાઉસિંગ કમિટી ચેરમેને વધુ વિગતો આપતાં કહ્યુ કે, આવાસ યોજનાઓમાં ચેકિંગ દરમિયાન ચોંકાવનારી વિગતો એ જાણવા મળી હતી કે, ૨૦૦ જેટલા મકાનો ફાળવાયા પછી તે મકાનોમાં લાભાર્થી રહેવા જ આવ્યા નથી, તે જાેતાં આ ૨૦૦ જણાને મકાનની કોઇ જરૂરિયાત નહિ હોવાનુ માનીને એસ્ટેટ ખાતાએ ફાળવાયેલાં મકાન પરત લઇ લેવા માટેની નોટિસ ફટકારી દીધી છે. આગામી એક મહિનામાં ૧૦ હજારથી વધુ મકાનોનું ચેકિંગ કરવામાં આવશે. જેના પરિણામે વધુ મકાનો સીલ કરવામાં આવે તેવી શક્યતા છે.મ્યુનિ.એસ્ટેટ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે, આવાસ યોજનાઓમા ચેકિંગ કરતાં મૂળ માલિકોએ તેમનુ મકાન વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતોને ભાડે આપી દીધી હોવાનુ જણાયું છે. સૂત્રોએ કહ્યું કે, ઉ.પશ્ચિમ ઝોનમાં ૧૭૩, દ.પશ્ચિમમાં ૨૪, પશ્ચિમમાં ૮૭, દક્ષિણમાં ૪૭ અને પૂર્વ ઝોનમાં ૪૧ આવાસ માલિકોને નોટિસ અપાઇ છે.




