Gujarat News: ચણિયા-ચોળી અને પૂજાના કપડાના ભાગીદારીના ધંધાના રૂ. 25 લાખની લેતીદેતીના વિવાદમાં અડાજણ પાટિયા વિસ્તારમાં એક પુત્ર સાથે રહેતી મહિલા સાથે ભાગીદાર દંપતી પૈકી પતિએ ઘરમાં ઘુસી બિભત્સ હરકત કરી ઘરમાં તોડફોડ કરવા ઉપરાંત પત્નીને ફોન કરીને બોલાવી તને રૂ. 25 લાખ તો શું એક ફૂટી કોડી પણ આપીશું નહીં એમ કહી પુત્રને મારી નાંખી તાપીમાં ફેંકી દેવાની ધમકી આપતા મામલો રાંદેર પોલીસમાં પહોંચ્યો છે.
અડાજણ પાટિયા વિસ્તારમાં બન્યો બનાવ
અડાજણ પાટિયા વિસ્તારમાં પુત્ર સાથે રહેતી અને ચણીયા-ચોળી તથા પૂજાના કપડાનો ધંધો કરતી 42 વર્ષીય વર્ષા (નામ બદલ્યું છે) એ પાંચેક વર્ષ અગાઉ પરિચીત ચિંતન ચંદ્રકાંત શાહ અને તેની પત્ની મીનુ ચિંતન શાહ (બંને રહે. સિધ્ધાર્થ વીલા, દીપા કોમ્પ્લેક્ષ, અડાજણ રોડ, સુરત) સાથે મૌખિક રીતે ભાગીદારી કરી હતી. નફો-નુકશાન ત્રણેયના સરખા હિસ્સે વહેંચવાનું અને હિસાબ રાખનાર ચિંતનના પિતાને પગાર ચુકવવામાં આવતો હતો. ચંદ્રાકાંતભાઇ હિસાબ યોગ્ય રીતે સંભાળતા હતા અને દસ મહિના અગાઉ તેમનું અવસાન થતા ચંદ્રકાંત અને તેની પત્ની મીનુ હિસાબ રાખતા હતા. પરંતુ સાતેક મહિના અગાઉ શંકા જતા વર્ષાએ હિસાબ કરતા રૂ. 25 લાખ લેવાના નીકળ્યા હતા અને તેની ઉઘરાણી શાહ દંપતી પાસે કરી હતી.
જે તે વખતે દંપતીએ તારે જયારે મોટો ફ્લેટ લેવો હોય ત્યારે બધા રૂપિયા ભેગા આપી દઇશ, ચિંતા કરવાની જરૂર નથી એવું આશ્વાસન આપ્યું હતું. પરંતુ ગત જાન્યુઆરીમાં દંપતીએ વર્ષાને તેના પુત્રની હાજરીમાં ધમકી આપી હતી કે ધંધામાં જેમ ચાલે છે તેમ ચાલવા દેવાનું, હિસાબ માંગવાનો નહીં. જેથી વર્ષાએ ભાગીદારી છુટી કરવાનું કહેતા ચિંતને રૂ. 80 હજારની માંગણી કરી તેના બદલામાં બેથી અઢી લાખનો માલ આપવાનું કહ્યું હતું. પરંતુ વર્ષાએ ઇન્કાર કરતા ગત 7 ફેબ્રુઆરીએ પુત્ર બહારગામ ગયો હતો અને વર્ષા ઘરે એકલી હતી ત્યારે ચિંતન તેના ઘરમાં ઘુસી જઇ બદદ્દાનતથી બિભત્સ હરકત કરી હતી. વર્ષાએ વિરોધ કરતા ધક્કો મારી પછાડી દીધી હતી અને હિંચકો મારી હાથમાં ઇજા પહોંચાડી હતી અને ટી.વી ફોડી નાંખ્યું હતું.
જેથી વર્ષાએ તેની પત્ની મીનુને બોલાવવાનું કહેતા તું શું બોલાવે, હું જ બોલાવીશ એમ કહી ફોન કરી મીનુને બોલાવી તને રૂ. 25 લાખ તો શું એક ફૂટી કોડી પણ આપીશું નહીં એમ કહી દુકાનની ચાવી આપી દે નહીં તો તારા દીકરાને મારીને તાપી નદીમાં ફેંકી દઇશ તેવી ધમકી આપી હતી. ઉપરાંત મોડી રાત સુધી વ્હોટ્સએપ ઉપર મેસેજ થકી પણ ધમકી આપી હતી.