
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે, આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. વિશ્વના નકશામાં અંકિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાનાર આ મહોત્સવને લઈને સમગ્ર એકતાનગર ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉવજણી પ્રસંગે એકતા નગર ખાતે તા. ૧૭ ઓક્ટોબરથી શરૂ થયેલ ‘એકતા પ્રકાશપર્વ’ તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે. જ્યાં સમગ્ર એકતાનગર રંગબેરંગી લાઈટિંગ, લેસર શો અને કલાત્મક થીમ શણગારથી ઝગમગી ઉઠ્યું છે.
‘ઓપરેશન સિંદુર’ થીમ આધારિત લાઈટિંગ, કૃષ્ણ નગરી દ્રારકા, શિવનગરી સોમનાથ અને શૂલપાણેશ્વર મહાદેવ મંદિર અને ગરુડેશ્વર દત્ત મંદિર તેમજ ધાર્મિક અને દેશભક્તિના ભાવને ઉજાગર કરતાં અદભૂત લાઈટિંગ ડિઝાઈનથી પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે. જેનો મુખ્ય આશય એકતાનગર ખાતે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓની વધતી સંખ્યાને અનુરૂપ સુવિધાઓમાં વધારો કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રવાસીઓને વધુ સુવિધા મળે તે માટે વિશેષ માર્ગદર્શક ટીમો વિશેષ બસ સુવિધાઓ, ઇ કાર્ટ્સ, તેમજ માહિતી કેન્દ્રો (સ્ટોલ્સ) શરૂ કરાયા છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પોલીસ, ફાયરબ્રિગેડ તેમજ આરોગ્યની ટીમ પણ ખડેપગ ફેજ પર છે. દરરોજ સાંજે વિવિધ થીમ આધારિત લેસર લાઈટ શો, સંગીતમય કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન થઈ રહ્યું છે, જે પ્રવાસીઓને ભારતની એકતા અને વૈવિધ્યની અનુભૂતિ કરાવે છે.
માધ્યમો સાથે સંવાદ સાધતાં પર્યટકો પણ પ્રકાશ પર્વ અને આગામી રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓને લઈને પોતાના પ્રતિભાવો જણાવી રહ્યાં છે.
આ તકે પર્યટકશ્રી હસ્તીમલ મહેતાએ જણાવ્યું કે એકતાનગરના આંગણે અદભુત એકતા પ્રકાશ પર્વની ઉજવણી થઈ રહી છે. હું ઘણા દેશોમાં ફરી આવ્યો છું, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશમાં પણ અદભુત કાર્યક્રમો અને ઉજવણીઓ યોજાઈ રહી છે. વધુમાં, તેમણે ૧૫ નવેમ્બર સુધી ચાલનારા એકતા પ્રકાશ પર્વમાં નાગરિકો-પર્યટકોને પોતાની ભાગીદારી નોંધાવી આ પ્રકાશ ઉત્સવની અદભુત ઝલકનો આનંદ માણવાં અનુરોધ કર્યો હતો.
રાજપીપલાના જ નિવાસી દીકરી શ્રિયા પટેલ પોતાના પરિવાર સાથે એકતા પ્રકાશ પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતાં. શ્રિયાએ અનોખા અંદાજમાં એકતા પ્રકાશ પર્વ દરમિયાન પોતાના અવિસ્મરણીય અનુભવને માધ્યમો સાથેના સંવાદમાં જણાવતા કહ્યું કે, અહીં રંગબેરંગી લાઈટિંગ અને થીમ આધારિત ડેકોરેશન ખૂબ ગમ્યાં છે.
નોંધનીય છે કે, લાઇટિંગ અને ડેકોરેશનની સાથે ઈસરો અને મિશન સિંદૂર જેવી પ્રેરણાદાયી થીમોએ બાળકોમાં દેશપ્રેમ અને જિજ્ઞાસા વધારી છે. પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસની સુંદર સજાવટ નિહાળતાં સૌએ આનંદ અને ગર્વનો અહેસાસ કરી રહ્યા છે. પ્રયટકો માટે ધાર્મિક, શૈક્ષણિક, અને આધ્યાત્મિક થીમ આધારિત લાઇટિંગ અને ડેકોરેશનને નિહાળવા તેમજ એકતા પ્રકાશ પર્વમાં સહભાગી થવા માટે દીકરી શ્રિયાએ પણ સૌને અનુરોધ કર્યો હતો.
એકતા પ્રકાશ પર્વ ૨૦૨૫ અંતર્ગત લેસર લાઈટ શો, સંગીતમય કાર્યક્રમો (ગરબાની રમઝટ), સમગ્ર એકતાનગરને ઝગમગાવી રહ્યાં છે. લાઈટના સુશોભનથી એકતા નગર રંગબેરંગી રોશનીના તેજથી ઝગમગી રહ્યું છે. ઉલ્લેખનીય છે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં ભારત દેશ પર્યટન ક્ષેત્રે અપ્રતિમ સિધ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વિશ્વ નકશામાં તો અંકિત છે પરંતુ દેશની એકતા અને અંખડિતતાને એકતાંતણે જોડવાનુ કામ કરી રહ્યું છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય એકતા પરેડને લઈને કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ, સુરક્ષા જવાનો, કલાકારો અને તેમજ ટેબ્લોઝની કામગીરીમાં જોડાયેલા કર્મીઓ માટે ભોજન અને રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાને ધ્યાને રાખી, વિશેષ રસોડા તૈયાર કરાયા છે, જ્યાં રોજ તાજું અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે રહેઠાણની વ્યવસ્થા, ડોમ, લાઈટ-પીવાનું પાણી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓનં સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.




