
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. આ કાર્યક્રમને અનુલક્ષીને એકતા નગર ખાતે ચાલી રહેલા એકતા પ્રકાશ પર્વ ૨૦૨૫ માં ઉત્સાહ, ઉર્જા અને સંસ્કૃતિનો અવિસ્મરણીય મેળો જોવા મળી રહ્યો છે.
રંગબેરંગી લાઈટોની ઝગમગાહટ, આકર્ષક ડેકોરેશન અને સંગીતના તાલમેલ વચ્ચે પર્યટકોને એક અનોખો સાંસ્કૃતિક આનંદ અનુભવી રહ્યાં છે. ગરબાની રમઝટ સિવાય પણ આદિવાસી કલાકારોએ પ્રસ્તુત કરેલા પરંપરાગત નૃત્યોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે.
આદિવાસી લોકનૃત્ય એ સમાજની સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનની ઊંડાણપૂર્વક અભિવ્યક્તિ છે. આદિવાસી સમુદાયના સ્થાનિક કલાકારો દ્વારા ઢોલ-નગારાની લય સાથેની કરાયેલી પ્રસ્તુતિ તથા કલાનૃત્યોએ કુદરત સાથેના આદિવાસી જીવનસંવાદને જીવંત રીતે મંચ પર ઉતાર્યો હતો.
પ્રેક્ષકો અને પર્યટકો બંનેએ કલાકારોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. એકતા પ્રકાશ પર્વ દ્વારા રાષ્ટ્રીય એકતા, વિવિધતામાં એકતા અને ભારતની લોકસંસ્કૃતિના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.




