
દક્ષિણ ગુજરાતના વાહનચાલકો માટે રાહતના સમાચાર.પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મુકાયો.૮ લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે.ભરૂચ-સુરત જતાં વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જાેડતા એક્સપ્રેસવે પર નેશનલ હાઇવે ઓથટોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધીનો એક્સપ્રેસ વે સત્તાવાર રીતે ખુલ્લો મુકાયો છે. હાલ એક જ તરફની લેનમાં બન્ને તરફનો વાહનવ્યવહાર શરૂ કરાયો છે. આ એક્સપ્રેસ વે શરૂ થવાથી ભરૂચ જિલ્લાના દહેગામથી સુરતના કીમ-બારડોલી સુધી વાહનોચાલકોની સફર સુગમ બનશે. ૮ લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના ૧૩૮૦ કિમીમાંથી ૪૧૩ કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પેકેજ-૪ હેઠળ ૧૩ કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જાે કે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પુનગામથી કીમ સુધીનો માર્ગ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે. જેથી સર્જાતી ટ્રાફિકજામની સ્થિતિ અને લોકોને પડતી તકલીફ મહદંશે કાબૂમાં આવશે.
અત્યાર સુધી ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર- હાંસોટ-ઓલપાડને જાેડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરતા હતા જાે કે પુનગામથી કીમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થઈ જતા હવે વાહનચાલકો સીધા કીમ સુધી જઇ શકશે. ત્યારબાદ ત્યાંથી બારડોલી એ સુધી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે. આમ વાહનચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે.




