
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
હાલમાં ચૈત્ર પવિત્ર માસમાં નવી ગાડીઓની કરાતી ખરીદી જેમાં મોટાભાગે ટુવ્હીલર જેવા વાહનોની મધ્યમ વર્ગ ધ્વારા ખરીદી કરાતી હોય છે. ત્યારે સુરત RTO ધ્વારા મલ્ટીપર્પઝ (દરેક કંપનીના ટુવ્હીલરો) વાહનોને શો રૂમોમાં નહીં રાખવા અંગેના દાદાગીરી અને મનમાનીવાળા નિર્ણયથી શહેર અને જિલ્લાના સબ ડીલરોમાં ફેલાયેલા આક્રોશ અને અસંતોષની લાગણી પરવર્તી રહી છે. કારણકે ચૈત્ર માસ જેવા પવિત્ર નવરાત્રીમાં જ્યારે ગ્રાહકોની ડિમાન્ડ નીકળી છે અને ફોર વ્હીલરો સાથે ટુ વ્હીલરોની પણ ખરીદી શરૂ થઈ છે ત્યારે RTO ના દાદાગીરી અને મનમાનીવાળા નિર્ણયના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કારણકે શો રૂમોમા રાખવામા આવતા વાહનો ખરેખર તો ગ્રાહકોની પસંદગીના કલર, પસંદગીના મોડેલ અને પસંદગી કંપનીના વાહનો પસંદ કરવા માટે રાખવામા આવતા હોય છે. હવે જ્યારે ગ્રાહકોની પસંદગી માટે જ શો રૂમોમા જો ટુવ્હીલર હાજર નહીં હોય તો ગ્રાહકો પોતાની પસંદગીનું વાહન કેવી રીતે ખરીદી શકે ?ત્યારે અહી સવાલ એ છે કે જ્યારે અન્ય ચીજ વસ્તુઓ ગ્રાહકોની પસંદગી માટે ડિસ્પ્લેમા મૂકવામાં આવે છે અને મલ્ટીપર્પઝ વાહનો પણ શો રૂમોમા ડીલરો કે સબડીલરો ધ્વારા મૂકવામાં આવે છે જેને જોઈ ગ્રાહકો પસંદગી કરી ખરીદી શકે અને એમાં કોઈ કાયદાનો ભંગ થતો નથી કે RTO ના નિયમોનું ઉલ્લંઘન પણ થતું નથી. અર્થાત શો રૂમ સંચાલકો કોઈ ખોટું કાર્ય કરી સરકારને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરતાં નથી કે સરકારી તિજોરીને કોઈ આર્થિક નુકશાન પહોંચાડતા નથી. આવી સામાન્ય અને કોઈપણ જાતના કાયદાની ઉલ્લંઘન નહીં કરતી સામાન્ય બાબત સુરત RTO અધિકારીઓ જાણતા હોવા છતાં પોતાની મનમાની અને મનઘડત ખિસ્સાનો કાયદો કાઢી મલ્ટીપર્પઝ વાહનોના ડીલરો/સબડીલરોને શો રૂમોમા ગાડીઓનો સ્ટોક નહીં રાખવાનો પરંતુ માત્ર વિવિધ ગાડીઓના ફોટાઓનું આલ્બમ રાખી ને જ ધંધો કરવાનું જણાવી શહેર અને જિલ્લાના ૨૫૦ થી ૩૦૦ જેટલા સબડીલરોને છેલ્લા આઠ માસ ઉપરાંતથી હેરાન પરેશાન કરવા સાથે આર્થિક અને માનસિક નુકશાન પહોંચાડી લોકશાહી દેશમા સરમુખત્યારશાહી જેવુ શાસન ચલાવી RTO અધિકારીઓ શું સિધ્ધ કરવા માંગે છે?
અત્રે ઉલ્લેખનિય છે કે આટલી બેરોજગારી, મોંઘવારી અને બેકારીનો કપરો સમય ચાલતો હોય અને માનવીને સાંજે બે છેડા ભેગા કરવા માટે તનતોડ મહેનત કરવા છતાં પણ આર્થિક પરિસ્થિતીમા પૂરું કરવા માટે અન્ય ધંધો કરવો પડતો હોય એ સમયે મલ્ટીપર્પઝ વાહનોના શો રૂમોવાળા જ્યારે લાખો રૂપિયાનું રોકાણ કરી ધંધો કરતાં હોય એ સમયે સુરત RTO ના આવા દાદાગીરી અને મનમાનીવાળા નિર્ણય કેટલા અંશે યોગ્ય છે? એટલું જ નહીં પરંતુ શહેરના અમુક વિસ્તારોમા તો ૧૦x૧૦ ની નાનકડી દુકાનોઓમા હાટડીઓની જેમ ટુવ્હીલરો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા હોવા છતાં RTO અધિકારીઓ ચોક્કસ વિસ્તારો માટે જ શું કોઈના ગર્ભિત આદેશનો અમલ કરીને ટુવ્હીલરોના શો રૂમોવાળાઓને હેરાનગતિ તો નથી કરી રહયા ને? વિચારવા જેવો સવાલ છે ત્યારે એનો જવાબ તો RTO જ આપી શકે.
આ બાબતે લેખિત રજૂઆતો સેક્રેટરી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ગાંધીનગર, કમિશ્નર રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ગાંધીનગર તથા સુરત RTO ને કર્યા બાદ RTO સુરત ધ્વારા તા.૧૮/૧૨/૨૦૨૫ ના પત્રથી જણાવ્યા મુજબ મોટર વ્હીકલ એકટ ૩૩ થી ૪૩ નો ભંગ થાય છે એ હકીકત સાચી નથી. ખરેખર તો RTO ધ્વારા આર્ટીકલ ૧૪,૧૯,૨૧ નો ભંગ કરી મનઘડત કાયદા બતાવી શોરૂમો વાળા ને હેરાન કરવા સિવાય અન્ય કશું જ નથી.




